માનવસેવાના કાર્ય સાથે નૂતનવર્ષનો પ્રારંભ
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે દર વર્ષની પરંપરા પ્રમાણે માનવસેવા કાર્ય સાથે નવા વર્ષનો શુભારંભ કર્યો છે.બોરવાવ ગીર ગામે અનેક લોક ઉપયોગી સામાજીક કાર્યોથી ગામમાં જબરી લોકચાહના મેળવનાર ગામના સંકલ્પ ગૃપ અને સંઘર્ષ ગૃપના સેવાભાવી યુવાનોએ સમસ્ત ગામના સહકારથી સફળ રક્તદાન કેમ્પ કરી નવા વર્ષના ઉમળકાભેર વધામણાં કર્યાં હતાં.
બોરવાવ ગીર ગામે છેલ્લા નવ વર્ષથી નવાં વર્ષના પ્રારંભે રક્તદાન કેમ્પ યોજાય છે તે પ્રમાણે આ વર્ષે પણ લેઉવા પટેલ સમાજમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ માનવસેવા યજ્ઞમાં માનવ જીંદગીને જીવતદાન આપવા ગામના 67 ભાઈઓ અને 32 બહેનો મળી કુલ 99 જીવનદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરી ગામના ગૌરવવંતા માનવસેવા યજ્ઞને જબરી સફળતા આપી હતી.આ માનવ સેવા યજ્ઞમાં રાજકોટ ની સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ સેન્ટર એન્ડ રીસર્ચ સેન્ટર ની ટીમે ઉમદા સેવાઓ આપી હતી.અનેક જીવને નવું જીવન આપવા યોજાયેલ આ માનવતા ઉત્સવમાં ઉમંગભેર જોડાયેલ ગામની યુવા શક્તિની માનવ સેવાને સમસ્ત ગામે ઉમળકાભેર વધાવી ગામના યુવાધન ને બિરદાવ્યું હતું.
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામના સંઘર્ષ ગ્રુપ અને સંકલ્પ ગ્રુપના યુવાનો દ્વારા દશમાં વર્ષે પણ નવા વર્ષની શરૂઆત રક્તદાન કેમ્પના માનવસેવાકીય કાર્યથી કરી હતી. આ સેવાયજ્ઞમાં ગ્રામજનોએ ઉત્સાહભેર સાથ અને સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.નવ વર્ષ દરમ્યાન યોજાતા રક્તદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 1600 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.
ગૃપના યુવાનોની પરોપકારી સેવા અને ગ્રામજનોના સહકારથી માનવસેવા યજ્ઞની કામગીરી અવિરત આગળ વધી રહી છે. જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે રક્ત મળી રહે તેવા ઉમદા આશય સાથે બોરવાવ ગીર ગામે શરૂ કરેલ સેવાયજ્ઞ ગામની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

