આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ, અંત્યોદય કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાયા રમત-ગમત સહિતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર, કર્મઠ અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું
ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ખાતે લેઉવા પટેલ સમાજ વાડીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જણાવ્યું હતું કે, માત્ર 25 વર્ષના જીવનમાં ભગવાન બિરસા મુંડાએ દેશ માટે અને સમાજ માટે મહત્વનું કામ કર્યું હતું. તેઓએ દેશની સ્વતંત્રતા માટે લડત લડી સમાજને એક દિશા આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે લડવાનું કામ કર્યું હતું…તેમણે 'ઉલગુલાન' આંદોલન થકી દેશની સ્વતંત્રતા માટે મહત્વનું યોગદાન આપી દેશને આઝાદ કરવા તથા સમાજના ઉત્થાન માટે આપેલ યોગદાન થી સૌને અવગત કર્યા હતા.
જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આઝાદી મેળવવામાં શહેરોનો મહત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ તેની સાથે ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારમાં પણ સ્વતંત્રતા માટેની લડત લડવામાં આવી હતી જેમાં ભગવાન બિરસા મુંડા નું અનેરૂં યોગદાન હતું.
આ પ્રસંગે માધુપુર ગીર-જાંબુર ગીર અને જાવંત્રી ગીર ગામના આદિવાસી લાભાર્થીઓને આદિમજૂથ આવાસ યોજના અને પી.એમ.જન-મન (આવાસ) યોજનાઓ અંતર્ગત મકાનની ચાવી આપવામાં આવી હતી. તેમજ આયુષ્માન અને અંત્યોદય કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. સાથે જ, સમાજ સુરક્ષા યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રમત-ગમત ક્ષેત્રે, ભારતીય સેનામાં, પ્રોફેસર, ફોરેસ્ટર, પોલીસ અને નાયબ મામલતદાર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે આદિવાસી ભાઈઓ- બહેનોને સરકારની વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જાંબુર ગીર ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરવામાં
આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, અગ્રણી ડો.સંજયભાઈ પરમાર, માધુપુર ગીર-જાંબુર ગીર ગામના સરપંચ સુલેમાનભાઈ મજગુલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

