બે શિક્ષક, બે ઈછઈ, તાલુકા પંચાયત કર્મચારી સહિતના શખ્સો સકંજામાં એક શિક્ષક નાસી છૂટ્યો રૂ.71,100 રોકડ સહિત મુદ્દામાલ કબ્જે
ઉના શહેરમાંપોલીસેબાતમીના આધારે શાસ્ત્રીનગર વિસ્તાર માં સંતોષી માતાજીના મંદિર નજીક આવેલા રહેણાક મકાનમાં દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
જ્યારે એક શિક્ષક પોલીસને જોઈ અગાસી પરથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસ અને પંચોને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન એક શિક્ષક અગાસી પરથી કૂદીને ફરાર થઈ ગયો હતો, જ્યારે અન્ય સાત શખ્સોને પોલીસે સ્થળ પરથી ઝડપી લીધા હતા.પોલીસ તપાસ દરમિયાન મકાનના પ્લાસ્ટિકના બોક્સમાંથી રૂ.7,000 તથા જુગાર રમવાના સ્થળેથી રૂ.10,600 રોકડ મળી આવી હતી. પોલીસે જુગારના સ્થળેથી મળી આવેલી રોકડ સહિત કુલ રૂ.71,100ની રોકડ રકમ કબજે કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ, મકાન માલિક મયુરભાઈ કરશનભાઈ સોલંકી પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમવા માટે સગવડ પૂરી પાડતો હતો અને જુગારમાંથી નાલ ઉઘરાવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં મયુરભાઈ કરશનભાઈ સોલંકી (જુગારધામ ચલાવનાર), તુષારકુમાર રાજુભાઈ જોષી (તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી), ભાવેશકુમાર મેણસીભાઈ બાંભણીયા (શિક્ષક), અશોકભાઈ બાબુભાઈ પરમાર, મનિષકુમાર પરષોતમભાઈ પટેલ (ઈછઈ), જીતુભાઈ મનુભાઈ રાઠોડ (ઈછઈ કોડીનેટર, દેલવાડા) અને ભરતકુમાર કાળાભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અજીતભાઈ ગોહિલ નામનો શિક્ષક પોલીસને જોઈ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

