મૃતકના પુત્રએ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં 11 સામે ગુનો નોંધાવ્યો, વ્યાજખોરોએ કરોડો રૂપિયાની 28 પ્રોપર્ટી પચાવી પાડ્યાનો સનસનીખેજ આક્ષેપ
જામનગરના યુવા અગ્રણી બીલ્ડર મેરામણભાઇ પરમાર ના મૃત્યુના સંદર્ભમાં પરિવાર દ્વારા ચોંકાવનારો ખુલાસો કરાયો છે, અને તેઓનો મૃત્યુનો બનાવ આકસ્મિક નહીં, પરંતુ આપઘાત નો હોવાનો ઘટસ્ફોટ કરાયો છે.
જામનગરની જમીન-મિલકતના સોદા તથા નાણાંની લેવડદેવડના મામલે કથિત રીતે માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કર્યાના આક્ષેપ સાથે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 11 વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મેરામણભાઈ પરમાર વર્ષો થી જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા .
ફરિયાદ મુજબ મેરામણભાઈ એ વિવિધ વ્યક્તિઓ પાસે થી નાણાં લીધા હતા અને તેની સામે જમીન-મિલકતના દસ્તાવેજો તેમજ અન્ય વ્યવહારો કરવામાં આવ્યા હતા. નાણાં તથા વ્યાજ પરત ચૂકવ્યા હોવા છતાં આરોપીઓ દ્વારા વધુ નાણાંની માગણી કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે મેરામણભાઈએ અલગ-અલગ સુસાઇડ નોટમાં પણ નાણાંની લેવડદેવડ અને મિલકતના વ્યવહારો અંગે વિગતો લખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે તા.10 જાન્યુઆરી, 2025ના રોજ મેરામણભાઈએ ઝેરી પદાર્થ પી લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પુત્ર દેવ મેરામણભાઈ પરમારે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ કેસમાં જામનગરના અગ્રણી ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવિણભાઈ શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા, કાંતાબેન પ્રવિણભાઈ દોમડિયા અને વિશાલ પ્રવિણભાઈ દોમડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા નાણાંની લેવડદેવડ, જમીન-મિલકતના દસ્તાવેજો તથા સુસાઇડ નોટ સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.કુલ 153 કરોડ થી વધુ ની 28 જેટલી મિલકતો પચાવી પાડયા નો આક્ષેપ છે. સમગ્ર બનાવની વિગતો જોઈએ તો ગત 7મી જાન્યુઆરી 2025 ના રોજ બિલ્ડર મેરામણભાઇ પરમાર સતત માનસિક તણાવવામાં રહેતા હતા અને પોતાનો ફોન બંધ કરી દીધો હતો ત્યારબાદ 10 જાન્યુઆરી 2025 ના રોજ રાત્રે ગાંધીનગરના અડાલજ ખાતે ગાડી ઉભી રખાવી હતી અને પોતાના ડ્રાઈવરને પાન લેવા મોકલી અને પોતે ઝેરી દવા પી લીધી હતી. તેઓ બેશુદ્ધ થઈ ગયા બાદ પરિવારને જાણ કરતાં તેઓને કે.ડી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયા થોડો સમય પછી સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. જોકે જે તે વખતે પરિવારજનોએ કોઈ કાનૂની કાર્યવાહી કર્યા વિના અંતિમ વિધિ કરી લીધી હતી.
પરંતુ ઘટનાના દસેક દિવસ પછી એટલે કે 21 જાન્યુઆરી 2025 ના રોજ મૃતકના પત્ની ને બે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. એક સ્યુસાઇડ નોટ 29 ડિસેમ્બર 2024 ની તારીખ ની લખેલી હતી, જયારે બીજી સુસાઇડ નોટમાં બે જાન્યુઆરી 2025 ની તારીખની લખેલી હતી. આમ બંને સ્યુસાઇડ નોટ અગાઉથી તેઓએ લખીને રાખી હતી, અને સમગ્ર ઘટના બાદ આખરે દોઢ વર્ષબાદ ગઈકાલે 27 ઓગષ્ટ 2026 ના રોજ પુત્ર દેવ પરમારે ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જામનગરના પ્રતિષ્ઠિત મનાતા વાઢેર પરિવાર અને દોમડીયા પરિવારના 11 સભ્યો સામે ગુનો દાખલ કરાવ્યો છે. બંને સુસાઇડ નોટ ની વાત કરવામાં આવે તો પ્રથમ 29 ડીસેમ્બર 2024 ના રોજ લખેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં આક્ષેપ કરાયો હતો કે જામનગર ના વ્યાજખોરો ભીખુભા હરીસિંહ વાઢેર, ને તેના પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહ કે જેઓએ મુદ્દલ અને વ્યાજની તમામ રકમ ત્રણ ટકા લેખે ચુકવી આપી હોવા છતાં સેફટી માટે પોતાના નામે કરાવેલી મિલકતો પરત આપતા નથી ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલી ત્રાસ આપી રહ્યા છે ત્યારબાદ બીજી સુસાઇડ નોટ 2- જાન્યુઆરી 2025 ના લખેલી હતી જેમાં પ્રવીણભાઈ દોમડીયા અને તેના પરિવારે નંદવિદ્યા નિકેતન સ્કૂલની 50 ટકા મિલકતનો દસ્તાવેજ જે કરાવી લીધા બાદ રૂપિયા 3.50 કરોડ થી વધુ માંગણી કરી માનસિક ત્રાસ આપ્યાના નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
સમગ્ર સ્ટેટમેન્ટ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો કુલ 28 જેટલી પ્રોપર્ટી પચાવી પાડયા નું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં બેંક સ્ટેટમેન્ટ અને સબ રજીસ્ટર કચેરીના દસ્તાવેજો વગેરે પણ ચકાસવામાં આવ્યા હતા, જેમાં વ્યાજ પેટે લીધેલા નાણા ની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવાર જામનગર શહેર, નાઘેડી નગરસિમ અને રાવલસર ગામની સીમમાં આવેલી કુલ 28 કીમતી જમીનો તથા પ્લોટ વગેરેના વેચાણ દસ્તાવેજો પોતાના તથા પોતાના પરિવારની મહિલાઓના નામે કરાવી લીધા જામનગર નજીક ઢીંચડા ગામની સીમમાં આવેલી 17,027 ચોરસ ફૂટ જમીન પરની સ્કૂલ પૈકી 7,0021 ચોરસ મીટર મિલકત 50 ટકા કહિસ્સો પ્રવીણભાઈ લખમણભાઇ નાણાકીય રોકાણ સામે સિક્યુરિટી પેટે પોતાના તથા પત્ની કાંતાબેન ના નામે રજીસ્ટર કરાવી દીધો હતો, અવેજ પેટે પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક બે ટકા લેખે કરોડોનું વ્યાજ વસુલ્યું હોવા છતાં દોમડીયા પરિવારે સ્કૂલ નો સો ટકા કબજો વગરનો કરાર પોતાના પુત્ર વિશાલ દોમડીયા ના નામે કરાવી લીધો હતો, જે દસ્તાવેજ કરી દીધા બાદ પણ 50 કરોડની વધુ માંગણી કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રખાયું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મેરામણભાઇ પરમાર એ 2016 માં સૌરાષ્ટ્રની સૌ પહેલી પાંચ કરોડની રોલ્સ રોય કારની પણ ખરીદી કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ ફરિયાદ થઈ છે, ત્યારે તપાસ બાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેમ મનાઈ રહ્યું છે અને જામનગર વર્તુળમાં આ ફરિયાદને લઈને ભારે ચકચાર મચી ગઈ છે.

