માણાવદરના નાનડીયા ગામનો બનાવ: પોલીસે વાયરલ વીડીયોના આધારે તપાસ હાથ ધરી
માણાવદર તાલુકાના નાનડિયા ગામે એક ખેડૂત યુવકે વ્યાજના ચક્રમાં ફસાઈ જતા વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી આર્થિક અને માનસિક કનડગત તથા ધાક ધમકીના કારણે આત્મહત્યા કરી લેતા નાના એવા નાનડીયા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ સાથે મરણ જનનર યુવકનો એક અંતિમ વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે.
જેમાં તેમણે વ્યાજખોરીના ચક્કરમાં આવી જતા, અને વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું જણાવતા પોલીસે આ ઘટના અંગે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ધરી છે. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદરના નાનડીયા ગામના ફરિયાદી ગોરધનભાઇ માધાભાઇ આરદેશણા (ઉ.વ. 62) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દીકરા મરણજનાર ગુંજન ઉર્ફે મેરકાને ખેતીના કામમાં રૂપિયાની જરૂરીયાત હોવાથી આરોપી કરશનભાઇ તથા આરોપી ગગાભાઇ ઉર્ફે રાજુભાઇ (રહે. બાંટવા) પાસેથી વ્યાજે રૂપીયા લીધેલ હતા. જે રૂપિયાનું વ્યાજ ભરી આપેલ હોવા છતા આ લોકોએ વ્યાજનું વ્યાજ ચઢાવી ફરીયાદીને તથા તેમના દીકરા મરણ જનાર ગુંજનભાઇને મારી નાંખવાની ધમકી આપી, ફરીયાદીની જમીનનું બળજબરી પુર્વક દસ્તાવેજ કરાવી લઇ તેમજ આરોપી વિરેન્દ્રભાઇ પાસેથી ફરીયાદીનાં દીકરા ગુંજને વ્યાજે રૂપીયા લીધેલ હતા અને આ રૂપીયાનું વ્યાજ ભરી દીધેલ
હોવા છતા આ કામના આરોપી વીરેન્દ્રભાઇએ ફરીયાદીના દીકરા ઉપર ચેક રીટર્નનો કેશ કરેલ તેમજ આરોપી પ્રવિણભાઇએ ગોરધનભાઇના દિકરાને 6 લાખ રૂપીયા વ્યાજે આપેલ હોય જેનું વ્યાજ ભરી દિધેલ હોવા છતા આરોપી પ્રવિણભાઇએ ફરીયાદીના દીકરા ગુંજનને જેમ ફાવે તેમ ભુંડી ગાળોના મોબાઇલ ફોન ઉપર વોટસએપ મેસેજ કરી ઉઘરાણી કરી આ તમામ લોકો તથા તપાસમા જે ખુલવા પામે તે તમામ લોકોએ આ કામના ફરીયાદીના દીકરા મરણજનાર ગુંજનને વ્યાજના સકંજામા લઇ, મરવા માટે મજબુર કરી એકબીજાને ગુન્હામાં મદદગારી ગુન્હો કરેલ છે.
પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આરોપીઓ કરશનભાઇ તથા ગગાભાઇ ઉર્ફે રાજુભાઇ (રહે.બન્ને બાંટવા) તેમજ વિરેન્દ્રભાઇ જમનાદાસ વિરોજા (રહે.નાનડીયા) અને પ્રવિણભાઇ સામે ગુન્હો નોંધી, માણાવદર પો.ઇન્સ. ડી.કે. ઝાલા એ વધુ તપાસ હાથ ધરી છે.

