Wednesday, 10 Oct, 10.13 am જલ્સા કરોને જેંતીલાલ

કારકિર્દી
આજે આપણે જાણીશું ક્રિપ્ટો કરન્સી વિષે.. વાંચો અને ટેગ કરો તમારા મિત્રોને..

નમસ્કાર મિત્રો!!! આજે આપણે જાણીશું ક્રિપ્ટો કરન્સી વિષે. સૌપ્રથમ તો એ જાણવું જરૂરી છે કે આ ક્રિપ્ટો કરન્સી છે શું? અને આવું નામ શા માટે રાખવામા આવ્યું?? તો સમજો કે અંગ્રેજી શબ્દ ક્રિપ્ટો(Crypto) એનો અર્થ થાય છે અદૃશ્ય હોવું અને કરન્સી એટલે તો વિટામિન M, મતલબ કે મનુષ્યના હાથ નો મેલ.. અરે રૂપિયા ની વાત કરી રહ્યોછું. સામાન્ય રીતે ક્રિપ્ટો કરન્સી એટલે એવા રૂપિયા જે દેખાતા નથી. આપણી નજર થી ઘણા દૂર અને ઘણા ના તો દિમાગ થી પણ કોષો દૂર રહેલી કરન્સી એટલે આપણી ક્રિપ્ટો કરન્સી. પણ તમારા મુખ પર ના આવા હાવભાવ ને દૂર કરો કારણકે આપણે આજે આ કરન્સી ને ખૂબ નજીકથી ઓળખવાના છીએ.

સામાન્ય રીતે જે આ કરન્સી બાબતે જાણતા હશે તેમના મન માં ક્રિપ્ટો કરન્સી સાંભળતા જ BitCoin નો ખ્યાલ આવશે. જે એકદમ સાચો જ છે પરંતુ ક્રિપ્ટો કરન્સી એટલે માત્ર BitCoin એ ખોટું છે. ક્રિપ્ટો કરન્સી માં બીજા પણ ઘણા પ્રકાર આવે છે. દા.ત, Monero , Ethereum, Lightcoin, Bitstone વગેરે વગેરે. અને બીજી ઘણી પ્રકારની પણ મેં અહીં અમુક પ્રસિદ્ધ કરન્સી ના નામ આપ્યા છે.

ક્રિપ્ટો કરન્સીનો જન્મ અરાજકવાદી એટલે કે મનુષ્યો નો એવો સમૂહ જે હાલની કેન્દ્રીય પદ્ધતિ થી અસંતુષ્ટ હતા. તેમણે આ વિકેન્દ્રિત લેણદેણ પદ્ધતિ નો વિકાસ કર્યો. તેમનો હેતુ એ હતો કે કોઈ વચેટીઓ અથવા તો કોઈપણ જાતની વ્યક્તિ કે સિસ્ટમ ને તેમના લેણદેણની માહિતી ના રહે. આ ક્રિપ્ટો કરન્સીની લેવડ-દેવળ બ્લોક ચેઇન ટેકનોલોજી(Blockchain Technology) દ્વારા કરવામાં આવે છે જે આપણે આગળ સારી રીતે સમજશુ.

હવે વાત કરીએ BitCoin ની તો આ કરન્સી નો ઇજાત ૩ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ સતોસી નાકામોટો નામના પ્રોગ્રામરે કરી છે. આ કોઈન એક ગાણિતિક સ્વરૂપમાં હોય છે. આ કરન્સી ને બજાર માં લાવવા માટે ખનીજ તત્વો ની જેમ આ BitCoin નું પણ ખાણકામ (Mining) કરવામાં આવે છે. પણ ખનીજ તત્વો ની ખાણ ભુગર્ભિય હોય છે જ્યારે આ બીટ કોઈનની ખાણ એક બોક્સ સ્વરૂપે હોય છે. અને આ કોઈનની ખાણ એટલે કે આ બોક્સ માંથી કરન્સી ભારે-ભરખમ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે અને સમય પણ વધારે માંગી લે છે. અહીં કમ્પ્યુટર ના માનાંક મુજબ CPU ની સ્પીડ હેસરેટ(Hasrate) માં માપવા માં આવે છે. આવા અદૃશ્ય બોક્સ ના ખાણકામ બાદ આ કરન્સી બજાર માં આવે છે. અહીં જે આ ખાણકામ કરે છે તેવા વ્યક્તિઓ કોઈ બેન્ક ના ક્લાર્ક ની જેમ કામ કરતા રહે છે પણ એક વાત અહીં જુદી છે બેન્ક માં કામ કરનાર ને મહિના પછી પગાર મળેછે.

જ્યારે આ બીટકોઈન નું ખાણકામ કરનાર ને તરત આવી અદભુત કરન્સી મળી જાય છે. BitCoin ના બોક્સ માં આ કરન્સી ગાણિતિક સ્વરૂપ માં હોય છે જે પ્રોગ્રામર આ ગણિત ના દાખલા ને ઝડપથી ઉકેલે તેમને આ કોઈન ઈનામ તરીકે આપવામાં આવે છે. આ BitCoin ની આપલે પીઅર ટુ પીઅર(Peer-to-peer) ટેકનોલોજી દ્વારા થાય છે. જેની મદદ થી એક કોમ્પ્યુટર થી સીધી બીજા કોમ્પ્યુટર માં આ કરન્સી ને ટ્રાન્સફર કરી શકાય છે. જે રીતે તમારો પેટીએમ (PayTm) નો વોલેટ હોય એ જ રીતે બીટકોઈન ના પણ વોલેટ હોય છે. તમે આ વોલેટ ની મદદ થી દુનિયાના કોઈ પણ જગ્યા એ કોઈ પણ વ્યક્તિને ગમે તેટલી રકમ મોકલી શકો છો.

બીટકોઈન બ્લોક ચેઇન દ્વારા નિરીક્ષણમાં રહે છે. મેં શરૂઆતમા કહ્યુ હતું એ કે બ્લોક ચેઇન ની વિગતવાર માહિતી આગળ મેળવીશું. તો ચાલો સમજીએ બ્લોક ચેઇન ને.

બ્લોક ચેઇન એક જાહેર ખાતા તરીકે કામ કરે છે. અહીં કોઈ પણ બીટકોઈન કઈ જગ્યા એ છે એની બધી માહિતી રહે છે અને દરેક લેવડ-દેવળ ની માહિતી આ ખાતાવહી માં ઉમેરાતી રહેછે. દા,ત. જ્યારે કોઈ કિંમતી ખનીજ જેમકે સોના ને ખાણ માંથી કાઢવામાં આવે ત્યારે તેની એન્ટ્રી થાય છે અને એ સોનું કઈ જગ્યા એ વેચાયો એની બધી માહિતી એકત્રિત કવામાં આવે છે. એવી જ રીતે આ બીટકોઈન ના માઇનિંગ બાદ બનતા કોઈન ની માહિતી બ્લોક ચેઇન માં સંગ્રહવા માં આવે છે. આ પદ્ધતિ ને બ્લોક ચેઇન ટેકનોલોજી કહેવામાં આવેછે. આ ચેઇન ની માહિતી એકદમ ચોક્કસ હોય છે.

આ ચેઇન ની બીજી ખાસિયત એ છે કે એક બીટકોઈન માંથી બીટકોઈન ના ભાગ કરવામાં આવે તો એ ભાગ ની માહિતી પણ આ ચેઇન માં ઉપલબ્ધ હોયછે. આને પણ આપણે એક સાદા ઉદાહરણ મારફતે સમજીએ.

તમારી પાસે ૫૦૦ ની નોટ છે અને તમે બજાર માં ૧૦₹ ની વસ્તુ લેવા જાઓછો તો તમને ત્યારે છૂટ્ટા રૂપિયા ની તકલીફ પડશે પણ તમારી એ ૫૦૦ ની નોટ ના ભાગ થઈ જશે. એવી જ રીતે બીટકોઈન ના પણ ભાગ થઈ શકે છે. જેમ આપણા ૧ રૂપિયા ના ૧૦૦ ભાગ કરી શકાય છે મતલબ કે ૧૦૦ પૈસા એવી જ રીતે બીટકોઈન ના ૧૦^૮ જેટલા ભાગ કરી શકાય છે. બીટકોઈન ના નાના માં નાના એકમ નું નામ છે સંતોષી. આપણે એક બીટકોઈન ના ૧૦^૮ સંતોષી જેટલા ભાગ કારી શકાય છે.

બીટકોઈન ના નાના માં નાના ભાગ એટલે કે સંતોષીનું નામ બીટકોઈન ના જનેતા સંતોષી નાકામોટોના નામ પર થી રાખવામાં આવ્યું છે. ૨૦૦૯ માં બીટકોઈન ની શરૂઆત થઈ ત્યાર થી આજ સુધી આ સંતોષી નાકામોટો કોણ છે તે હજુ શોધી નથી શકાયું. આ વ્યક્તિ કોણ છે અને કઈ જગ્યા એ છે એની કોઈ પણ જાતની માહિતી નથી. વચ્ચે વર્ષ ૨૦૧૬ માં ઓસ્ટ્રેલિયા ના એક જાણીતા ઉદ્યોગપતિ ક્રેગ વ્રાઈટ (Craig wright) એ એવો દાવો કર્યો કે તે આ બીટકોઈન બનાવનાર સંતોષી નાકામોટો તે ખુદ છે. પણ ઘણા રિસર્ચર આ વાતને ખોટી માને છે.

સંતોષી નાકામોટો ના અસ્તિત્વ ના પ્રશ્નાથે તમારા મન માં પ્રશ્નો નો જાળ ગૂંથાઈ ગયું હશે!!! કે આ કરન્સી નો શોધક કોણ છે એ પણ આપણે નથી જાણતા તો આ કરન્સી માં રોકાણ કરાય ખરો??? આ કરન્સી ઓનલાઈન છે તો આ કરન્સી સાથે કોઈ પ્રકાર નો છેડછાડ કરી આપણી રોકેલી મૂડી ડૂબી જાય ખરી?? તો જવાબ છે ના.. હા બરોબર જ વાંચ્યુ જવાબ છે ના રોકાણ કરવું કે નહીં એ તો તમારા રિસ્ક લેવાનાં નિર્ણય પર છે પણ આ કરન્સી સાથે આ સમયે છેડછાડ શક્ય નથી. આ કરન્સી એકદમ એન્ક્રિપ્ટ (Encrypted) થયેલી છે. તેથી આ કરન્સી માં છેડછાડ શક્ય નથી અને કમ્યુટર પ્રોગ્રામર આ કરન્સી ને વધુ ને વધુ સુરક્ષિત રાખવા મથતા રહેછે. અને જણાવી દઉં કે ભારત સરકાર અને બીજા ઘણા દેશ એ આ કરન્સી ને માન્યતા નથી આપી. તેથી રોકાણ કાર્ય બાદ કશું પણ થાય તો જવાબદારી તમારી રહેશે.. આપણી સરકાર કે આપણું ન્યાયતંત્ર કોઈ પણ કાર્યવાહી નહીં કરે. તેથી તમારો નિર્ણય એજ સર્વોપરી.. અને હા આ એક ખતરનાક કરન્સી છે જેના ભાવ આસમાને પહોંચ્યા પછી તરત નીચે પણ પડી શકે છે. તેથી તમારા પરસેવે કમાવેલા રૂપિયા પાણી માં પરિણમી શકે છે.

હવે તમને બીટકોઈન નો ઇતિહાસ કહું. આ બીટકોઈન ની શરૂઆત ૨૦૦૯ માં થઈ એ તમે બધા જાણી ચુક્યા છો. પણ આ કરન્સી કેમ બની એ જોઈએ. તો પહેલા તો આ કોઈ ઓનલાઈન રમત ની જેમ હતું જેમકે અત્યારે ખૂબ ચાલી રહેલી ૩પત્તિ!! જે લોકો પાસે આ બીટકોઈન હતા તે પોતે અંદરોઅંદર આપલે કરતા પણ સૌપ્રથમ ૨૦૧૦ માં આ કોઈન નો પ્રયોગ કોઈ વસ્તુ ખરીદવા માટે કરવામાં આવ્યો. ૨૨ મે ૨૦૧૦ ના રોજ એક પિઝા(Pizza) માટે ૧૦,૦૦૦ બીટકોઈન ચૂકવવામાં આવ્યા હતા અને ત્યારથી આ કોઈન નો કરન્સી તરીકે નો ઉપયોગ ચાલુ થયો છે. આ કરન્સી ના ફાયદા ઘણા છે પણ ફાયદા કરતા પણ નુકસાન વધારે છે.

ફાયદા જાણવું તો આ કરન્સી એકદમ સુરક્ષિત છે. આપણી પદ્ધતિ કરતા ઝડપી પણ છે અને હા કોઈ જાત ની રોકટોક નથી. જેમકે ભારત માં તમારી પાસે રૂપિયા હોવા જોઈએ જો તમે અમેરિકા જાઓ તો તમારી પાસે ડોલર હોવા જોઈએ જ્યારે બીટકોઈ ભારત માં પણ એજ વૅલ્યુ ધરાવે છે જે બાકી આખા વિશ્વ માં છે. તેથી સગવડતા રહે છે.

જ્યારે નુકસાન માં આતંકવાદીઓ આ કરન્સી નો ઉપયોગ કરે છે. આજ વર્ષે રેન્સમવેર નામના વાયરસ નો હુમલો વિશ્વના ઘણા દેશો ના કમ્પ્યુટર પર થયો હતો અને કમ્પ્યુટર પાછું ચાલુ કરવા હેકર્સ દ્વારા ખંડણી માટે બીટકોઈનની માંગ હતી. એવી વેબસાઈટ પણ અસ્તિત્વમાં આવી જેના પર નશીલા પદાર્થ પણ બીટકોઈન દ્વારા વહેંચાવા લાગ્યા. તેથી આ ક્રિપ્ટો કરન્સી ના નુકસાન વધારે છે. આ કરન્સી ના વોલેટ એકાઉન્ટ માં કોઈ આધાર કે કોઈ ઓળખાણ થાય એવી વસ્તુ રહેતી નથી જેથી ગેરકાનૂની કામ માં વધારો થયો છે અને બીજું એ કે તમે સાચે જે વ્યક્તિ ને આ કોઈન મોકલી રહ્યા છો તે કોણ છે અથવાતો તે જ વ્યક્તિ ને જાય છે કે નહીં એનું તમે નિરીક્ષણ કારી શકતા નથી.

અત્યારે બીટકોઈન ની કિંમત આસમાને છે તથા સતત ને સતત તેમાં વધારો થતો જણાય છે. તો આપણે પણ જાણીયે કે બીટકોઈન ની કિંમત સતત શા માટે વધતી જ રહે છે.

બીટકોઈન ની ઉત્પત્તિ તેની ખાણ એટલે કે બીટકોઈન બ્લોકમાંથી થાય છે. શરૂઆતી તબક્કામા એક બ્લોક માંથી એક સમયે ૫૦ બીટકોઈન નીકળતા હતા. જેમ ખાણ માંથી ખનીજ નીકળતું જાય એમ ખનીજ નું જમીન ની અંદર પ્રમાણ ઘટતું જાય એજ રીતે દર ૪ વર્ષ બાદ એક બ્લોક માંથી નીકળતા કોઈન ની સંખ્યા અડધી રહી જાય છે. તેથી બજાર માં બીટકોઈન ની માંગ વધતી જાય છે અને કોઈન નો પ્રમાણ ઘટતો જાય છે.
એક ધારણા મુજબ અંદાજે આજ થી ૧૨૫ વર્ષ પછી એટલે કે ઇ.સ. ૨૧૪૨ માં નવા બીટકોઈન બનવાની પ્રક્રિયા હંમેશા માટે બંધ થઈ જશે. હવે આને આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો અથવા તો આ બીટકોઈન ને સોના સાથે સરખાવીએ તો આ બધું ઝડપથી સમજી શકાય.

જેમકે એક દિવસ એક સોના નો વ્યાપારી ૫ કિલો સોનું નજીવી કિંમતે વહેંચેછે!! પરંતુ ત્યારે બજાર માં ઓછા લોકો હોય છે જેમને આ વાત ની ખબર હોય છે પરંતુ બીજા દિવસે આ સોનું લેવા વાળા ની સંખ્યા માં વધારો થાય છે પણ વ્યાપારી એ દિવસે 3 કિલો સોનુ લાવ્યો છે મતલબ કે વસ્તુ ની માત્ર ઓછી પણ ખપત વધારે તેથી પ્રથમ દિવસ કરતા બીજા દિવસે સોના ની કિંમત માં વધારો થાય છે. બસ એજ રીતે બીટકોઈન માં પણ જોવા મળે છે. નવા કોઈન બનવાની માત્રા માં ઘટાડો થાય છે અને માણસ નો લાલચી સ્વભાવ કે અત્યારે આ કોઈન માં રોકાણ કરી જ્યારે વધારે કિંમત મળશે ત્યારે વહેંચી સરળતા થી વધારે કમાઈ લેવું છે. જેથી આ કોઈન ના ભાવ દિવસે ને દિવસે આભ આંબતા જાય છે.

વર્ષ ના અંતિમ દિવસ ના આવી જુદી જુદી ક્રિપ્ટો કરન્સી નું મૂલ્ય ભારતીય રૂપિયા ની સાપેક્ષે

 BitCoin = ૧૧,૮૧,૦૦૦.૦૦₹
 Monero = ૨૧,૮૨૯.૬૧₹
 Ethereum = ૬૪,૨૦૦.૦૦₹
 Lightcoin = ૧૯,૭૦૦.૦૦₹

છેલ્લે એટલું જ કહીશ કે જીવન માં પૈસા નો મહત્વ ખૂબ વધારે છે પરંતુ પૈસા નો ઉપયોગ ક્યાં કરવો એ પૈસા કમાવા કરતા પણ વધારે મહત્વનું છે. તો પૈસા કમાતા રહો, માહિતી થી ભરપૂર લેખ વાંચતા રહો અને તમારા અભિપ્રાય જણાવતા રહો. આભાર!!

લેખક : ઉદય ભાનુશાલી

દરરોજ આવી માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: jentilal.com
Top