Khabarchhe

562k Followers

2%ના વ્યાજે 1 લાખની લોન લેવા જાણો ક્યા અને ક્યારે અરજી કરી શકશો

15 May 2020.6:49 PM

કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 20 લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. 21મી મે થી અપાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને 7 હજારથી વધુ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા.31મી ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. મુખ્યમંત્રીના સચિવે આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યકિતઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2%ના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર 2% વ્યાજના દરે આપવામાં આવશે.

એટલું જ નહિ, લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. 3 વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેન્કોને 8% વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીએ કરેલી અપિલનો બેન્કોએ સુચારૂં પ્રતિસાદ આપ્યો છે એમ પણ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આવા નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્ય સરકાર બાકીના 6% વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કરેલો છે એમ તેમણે કહ્યું હતું.

આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત આવી લોન સહાય અંતર્ગત સમગ્રતયા અંદાજે પાંચ હજાર કરોડનું ધિરાણ પુરૂં પાડી લોકડાઉનની સ્થિતીમાંથી નાના ધંધો વેપાર-વ્યવસાયીકોને આર્થિક આધાર આપી પૂન: પૂર્વવત કરવામાં અને 10 લાખ લોકોને આત્મનિર્ભર બનવામાં રાજ્ય સરકાર સહાયક બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીના સચિવે વ્યકત કર્યો હતો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati

#Hashtags