ગાંધીનગર- ગુજરાતમાં કોરોનાના ઝડપથી વધતા કેસો તેમજ લોકલ ટ્રાન્સમિશન વધતાં ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન કરવાનો આદેશ કર્યો છે. માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બહાર નિકળી શકાશે, અન્યથા કામ વિના બહાર નિકળનાર વ્યક્તિ સામે કલમ-144 અને મહામારી અંગેના કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ આજે મોડી રાત્રે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનમાં લોકોના વાહનો પણ જપ્ત થઇ શકશે. ગુજરાતમાં હાલ કોરોનાનો વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્શમિશન થઇ રહ્યું છે તેથી રાજ્યની જનતાને અપીલ કરૂં છું કે અરજન્ટ કામ સિવાય બહાર ન નિકળે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંહે કહ્યું હતું કે અમે રાજ્યની પોલીસને સૂચના આપી છે કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે લોકોને ઘરમાં રહેવાની આદત નથી પરંતુ અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે તેથી લોકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તેમણે ખાત્રી આપી હતી કે રાજ્યમાં કોઇપણ આવશ્યક ચીજવસ્તુની ઉણપ રહેશે નહીં. અમેરિકાના ન્યૂયોર્કમાં એક જ દિવસમાં 5000 કેસો વધ્યાં છે તેથી આપણે પણ અહીં સાવચેતી રાખવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પોલીસ કમિશ્નરોએ આદેશ કર્યા છે કે મહાનગરોમાં 144ની કલમ લાગુ છે. કામ વિના ઘરની બહાર નિકળનાર સામે કાયદેસરની કાર્યવાહી સાથે વાહન ડિટેઈન કરી લેવાશે. રૂપાણીએ પોલીસને ખુલ્લેઆમ છૂટછાટ આપી દેતાં પોલીસ હવે કડક બની ગઇ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી લોકડાઉનનો અમલ કરાવવા માટે આદેશ કરતાં ગુજરાત સરકાર હરકતમાં આવી છે.

