Tuesday, 31 Mar, 10.30 pm Khabarchhe

ગુજરાત
ગુજરાતના ગામડાઓના ગેટ પર લાગ્યા બોર્ડ, કોઇએ મંજૂરી વગર અંદર આવવું નહીં

ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ અને વિશ્વભરમાં પ્રસરેલ મહામારી નોવેલ કોરોના કોવિડ-19ના ભારતમાં ફેલાવાને રોકવાના હેતુથી દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. સરકાર દ્વારા લોકોને પોતાના ઘર, વિસ્તાર છોડીને બહાર ન જવા માટે સરકાર નિર્દેશ જાહેર કરાયો છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કેટલાક જાગૃત ગામોના નાગરિકોએ સ્વચ્છાએ પોતાના ગામોને આઈસોલેટ કરી બાહ્યસંપર્કથી દૂર રાખવા પગલા લીધા છે.અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કતોલ, મોકળ, રામનાથ સહિતના સંખ્યાબંધ ગામના નાગરિકોએ કોરોના સામેની લડાઈમાં લોકડાઉનના અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના મહત્ત્વને સમજીને પોતાના ગામને 21 દિવસો માટે બાહ્ય સંપર્ક વિહાણા કર્યા છે અને કોરોના વાયરસના ચેપને પોતાના ગામમાં પ્રવેશવાના ભયને નાબૂદ કર્યો છે.

રામનાથ ગામના રહેવાસી નવિન પટેલ જણાવે છે કે, વિશ્વભરમાં કોરોના વાયરસના પગલે થયેલા મૃત્યુના સમાચારો જાણી ચિંતિત થયેલા ગ્રામજનો કોઈપણ ભોગે પોતાના ગામમાં આ રોગને પ્રસરવા દેવા માંગતા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ પ્રવચન સાંભળીને સૌએ 21 દિવસ સુધી ગામને સંપૂર્ણપણે લોકડાઉન કરી નાંખવાનો નિર્ણય કર્યો. જેનું પાલન સુનિશ્ચિત કરવા ગામના કેટલાક જાગૃત યુવાનોએ ભેગા થઈ આ માટે સમિતી બનાવી અને લોક ડાઉન દરમિયાન ગામમાં પ્રવેશ અને રસ્તાઓ પરની અવર-જવરને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. કુણાલભાઈ પટેલ જણાવે છે કે, ગામ બહાર જવાની જરૂરિયાત જ ન ઉભી થાય તે માટે ગ્રામજનોએ 21 દિવસો માટે પોતાની જરૂરિયાતો બને તેટલી ઘટાડી દેવાનો સામૂહિક નિર્ણય કર્યો.શરૂમાં કેટલાક ગ્રામજનો નારાજ પણ થયા પરંતુ ગ્રામજનોના વિશાળ હિતને ધ્યાનમાં લઈને અંતે તેઓ પણ આ લોકડાઉનમાં જોડાયા.ગ્રામજનો જણાવે છે કે, ગામ બહારનો સંપર્ક કાપી નાંખવાના કારણે તેઓ કોરોનાનો ચેપ લાગવા અંગે ચિંતિત નથી. તેઓ માત્ર લોક ડાઉનનું પાલન કરી રહ્યા છે તેમ નથી પરંતુ ગ્રામજનોની તબિયતની પણ નિયમિત રીતે દરકાર લેવામાં આવી રહી છે. કોરોનાના લક્ષણોથી માહિતગાર એવા આ ગ્રામજનો પોતાની ગામની કોઈ વ્યક્તિઓમાં આ લક્ષણોની તપાસ નિયમિત રીતે કરી રહ્યા છે.

દેલોલના વિક્રમભાઈ રાઠોડ જણાવે છે કે, આ ઉપરાંત ગ્રામજનોને કોરોના અંગે જાણકારી આપી તેઓ માસ્ક પહેરે, ઉધરસ-ખાંસી ખાતી વખતે મોં ઢાંકી રાખે તે સહિતની બાબતો સુનિશ્ચિત કરાઈ રહી છે.આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે પણ ગ્રામજનો બહાર નીકળતા નથી. ગામના કેટલાક યુવાનોને આવશ્યક વસ્તુઓની ખરીદી કરી ઘર સુધી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી છે. જે અનુસાર પહેલા ગ્રામજનો જોઈતી વસ્તુઓની યાદી તૈયાર કરી આ યુવાનોને પહોંચાડે છે ત્યારબાદ યુવાનો દુકાન પરથી ખરીદી કરી જે-તે ઘરે જઈ આપી આવે છે, જેથી મહત્તમ સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય બને. ગામ બહારથી લાવવાની પ્રક્રિયા માટે પણ આ જ નિયમનું પાલન કરવામાં આવે છે. બહાર જઈને ખરીદી કરતી વખતે પણ અન્ય વ્યક્તિઓનો કોઈ રીતે સંપર્ક ન થાય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top