Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કિંજલ રબારીને છૂટાછેડા જોઈએ છે, પણ પતિ અશોક ચૌધરી ના પાડે છે, ડિવોર્સ પેપર પર સાઈન કરાવવા તેને ધમકી મળી હોવાનો આરોપ

કિંજલ રબારીને છૂટાછેડા જોઈએ છે, પણ પતિ અશોક ચૌધરી ના પાડે છે, ડિવોર્સ પેપર પર સાઈન કરાવવા તેને ધમકી મળી હોવાનો આરોપ

Khabarchhe 1 month ago

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમલગ્નનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કારણ કે અશોક ચૌધરી પર છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલો અશોક ચૌધરીએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, લોક ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે 2 મે 2024 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા.

ત્યારબાદ રબારી સમાજ અને માલધારી સમાજે કિંજલ રબારીના આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. કિંજલ રબારીના પરિવારે પણ અશોક ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યો હતો. બીજી તરફ કિંજલ રબારીએ પણ પોતાના પરિવાર પ્રેમ લગ્ન કર્યા બાદ હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

 gujarati.news18.com

આ મામલો આખા ગુજરાતમાં ભારે ચર્ચાયો હતો. જોકે, ભારે વિવાદ બાદ રબારી અને ચૌધરી સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને આગેવાનોની મધ્યસ્થી બાદ આ મામલો શાંત પડ્યો હતો. ત્યારબાદ કિંજલ રબારીએ પોતાના પરિવાર સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. આ મામલે કિંજલ રબારીએ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, હું કિંજલ રબારી, મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે કહેવા માગું છું કે, મેં મારી રાહ ભટકીને જે પગલું ભરેલું તે ખોટું હતું, માટે હું રાજીખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગઈ છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાન ભાઈઓ અને સર્વે અઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો કે અફવાઓમાં આવવું નહીં. કિંજલ રબારી અને અશોક ચૌધરી છુટા પડ્યા બાદ કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

હવે ફરી એક વખત કિંજલ રબારી અને અશોક ચૌધરીનો મામલો ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધો અને છૂટાછેડાની પ્રક્રિયા અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે અશોક ચૌધરી પર હુમલાના પ્રયાસની ફરિયાદ બાદ સમગ્ર મામલો ફરી ગરમાયો છે. આ સમગ્ર મામલે અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અશોક ચૌધરીની ફરિયાદના આધારે સમી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અશોક ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'કિંજલે રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે, એટલે કિંજલ રબારી સાથે છૂટાછેડા લેવા માટે તેના પરિવારજનો દ્વારા મને વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. મને છૂટાછેડાના કાગળ પર સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, હું સહી કરવાની મનાઈ કરતો હોવાથી મને કિંજલના પરિવારના સભ્ય વિનોદભાઈ રબારી ધાક-ધમકી આપે છે.'

તેણે વધુમાં જણાવ્યું છે કે, 'ગત 15 જૂને છૂટાછેડાના કેસની મુદ્દત પતાવીને હું રાધનપુર ફેમિલી કોર્ટથી મહેસાણા જઈ રહ્યો હતો, ત્યારે વિનોદભાઈ રબારી, પ્રકાશભાઈ રબારી અને 2 અજાણ્યા શખ્સોએ મારી ગાડી ઘેરી લીધી હતી. એટલું જ નહીં 2 ગાડીમાં આવેલા આ શખ્સોએ મારી કારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ ચારેય શખ્સો તીક્ષ્‍ણ હથિયાર લઈને મારી પાસે આવ્યા હતા અને ધમકી આપી હતી કે હવે પછી રાધનપુરમાં દેખાયો તો તને જીવથી મારી નાખીશું. જેથી આ ચારેય શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.'

 gujarati.news18.com

પોલીસે ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ઘટનાના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાતના લોકસંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રેમલગ્ન, અલગાવ, કોર્ટ કાર્યવાહી અને હવે હુમલાના આરોપો જેવા અનેક મુદ્દાઓને કારણે આ કેસ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. બંને પક્ષો સાથે જોડાયેલા દાવા અને આરોપોની સત્યતા અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati