Saturday, 25 Apr, 6.45 pm Khabarchhe

કોરોના વાયરસ
શિવાનંદ ઝાએ કહ્યું- ટુ વ્હીલર પર એકથી વધુ અને ફોર વ્હીલરમાં...

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર - 'ઘરે રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો તેમજ જવાબદાર બનો અને જવાબદાર બનાવો'ને સાર્થક કરવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, દુકાનો ખોલવાની મળેલી છૂટછાટ શરતોને આધીન છે, જો ચારથી વધુ વ્યક્તિ એકત્ર થશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય, તો કડક કાર્યવાહી કરાશે જ. જેથી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીમાં ભીડ ન થાય અને નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેમજ મોંઢા પર માસ્ક અને શક્ય હોય તો હાથમાં ગ્લોવ્ઝ પણ પહેરે, એ અતિ આવશ્યક છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, નાગરિકોની જાહેરમાં બિનજરૂરી અવરજવર નહીં ચલાવી લેવાય તેમજ વાહનો લઈને નીકળતા નાગરિકો પણ ટુ વ્હીલર પર માત્ર એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં વધુમાં વધુ બે લોકો જ નીકળે, અન્યથા પોલીસ દ્વારા વાહનજપ્તી સહિત નિયામાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

હાલ પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ નાગરિકોને ધાર્મિકસ્થળો પર એકઠા ન થતાં ઘરે રહીને જ બંદગી કરે એવી અપીલ કરતાં પોલીસવડાએ જણાવ્યું કે, પોલીસતંત્ર ડ્રોન દ્વારા તમામ ધાર્મિક સ્થાનો પર નજર રાખશે અને લોકડાઉનનો ભંગ થયેલો માલૂમ થશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં મોટરસાઇકલ પર અને ફૂટ પેટ્રોલિંગ કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે.

શિવાનંદ ઝાએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, કોઈ પણ સ્થળે ભીડ થતી હોય કે લોકડાઉનનો ભંગ થતો હોય, તો તેઓ 100 નંબર પર પોલીસ કંટ્રોલરૂમને માહિતી આપે, જેથી નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી શકાય. ગઈ કાલે 100 નંબર પર આવેલી આ પ્રકારની ફરિયાદોના આધારે રાજ્યમાં કુલ 29 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 33 ગુનામાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 257 ગુનામાં કુલ 444 લોકોની અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ઇન્ટેલિજન્સ બ્યૂરો પાસેથી પણ આ અંગે વિગતો મેળવી, લોકડાઉન ભંગ અંગેના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.24/04/2020થી આજ સુધીના કુલ 2263 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 991 તથા 413 અન્ય ગુના(રાયોટિંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4500 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3599 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં 5336 અને અત્યાર સુધીમાં 1,09,272 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati
Top