કોરોના વાયરસ
શું કુતરા-બિલાડીને પણ આપવી પડશે કોરોના વેક્સીન, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

બ્રિટનના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે કહ્યું છે કે કોરોના ખતમ કરવા માટે કુતરા અને બિલાડીને ભવિષ્યમાં કોરોના વેક્સીન આપવી પડે તેમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાળતુ પ્રાણીઓથી વ્યક્તિને કોરોના સંક્રમણનો ખતરો હોવાને લીધે કુતરા અને બિલાડી જેવા પાળતુ પ્રાણીઓને વેક્સીન આપવાની જરૂર પડી શકે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયા, ઈયરલેમ ઈન્સ્ટીટ્યૂટ અને મિન્નેસોટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ Virulence જરનલના એક લેખમાં પાળતું પ્રાણીઓના વેક્સીનેશનની ચર્ચા કરી છે. ગયા વર્ષે ડેન્માર્કમાં ઉદ્દબિલાવવાળા કોરોના વેરિયન્ટથી ઘણા લોકો સંક્રમિત થયા હતા. જેના પછી લાખોની સંખ્યામાં ઉદ્દબીલાવોને મારી નાખવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર કોક વૈન ઉસ્ટરહુટે કહ્યું છે કે આ સમજદારીવાળી વાત હશે કે પાળતુ પ્રાણીઓને પણ કોરોના વેક્સીન માટે તૈયાર કરવામાં આવે. તેમણે કહ્યું છે કે રશિયાએ પાળતુ પ્રાણીઓ માટેની વેક્સીન તૈયાર કરવાની શરૂ પણ કરી દીધી છે. Virulence જરનલના એડિટર ઈન ચીફ કેવિટ ટીલરનું કહેવું છે કે બિલાડીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળતા નથી પરંતુ તે સંક્રમિત થઈ શકે છે અને બીજાને પણ વાયરસ ફેલાવી શકે છે.
તેમણે કહ્યું છે કે જાનવરોમાં કોરોના સંક્રમિત થવાને કારણે કોરોનાના નવા વરિયન્ટ પણ સામે આવી શકે છે અને તે પછી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ કુતરા, બિલાડી, મિંક સહિત ઘણા જંગલી અને પાળતુ જાનવરોને સંક્રમિત કરી શકે છે. આથી ભવિષ્યમાં તેમને વેક્સીનેશન આપવાની જરૂર પડી શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં વ્યક્તિઓમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 10 કરોડની નજીક પહોંચી ચૂકી છે અને જેમાંથી 21 લાખ 40 હજાર લોકો કોરોનાને લીધે મૃત્યુ પણ પામ્યા છે. કોરોનાની વેક્સીન શોધી કાઢી હોવાને લીધે દુનિયાભરના દેશોમાં હાલમાં કોરોવા વેક્સીન પ્રોગ્રામ ચાલી રહ્યો છે.
જેમાં સૌ પ્રથમ મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સીન આપવાનો પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામના શરૂ બાદ અત્યાર સુધીમાં કુલ 20 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. જેમાંથી અમુક લોકોમાં તેની માઈનર સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી હતી. હજુ આપણા દેશમાં લોકો કોરોનાની વેક્સીનને લઈને એટલી જાગૃતતા દેખાડી નથી રહ્યા, જેને કારણે વેક્સીનના કાર્યક્રમમાં સરકારના ધારેલા આંકડા સુધી હજુ પહોંચી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.