અમદાવાદ : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃતિ વધારવાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ 'અવાદા ભારત ઉદય યાત્રા' અમદાવાદ પહોંચી હતી. 17.7 GWpથી વધુ રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતા અવાદા ગ્રૂપે આ યાત્રા દ્વારા નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક સમુદાયો અને હિતધારકોને સસ્ટેનેબલ એનર્જી અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે.
નોઇડાથી 8 મે, 2026ના રોજ શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભરમાં રિન્યૂએબલ એનર્જી અપનાવવા માટે પાયાના સ્તરે જાગૃતિ ફેલાવવાનો અને ભારતને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા ભવિષ્ય તરફ આગળ વધારવાનો છે. 'અવાદા ભારત ઉદય યાત્રા' અંતર્ગત વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી બે વાન 35 દિવસ દરમિયાન 9 રાજ્યોના 27 શહેરોની મુલાકાત લઈ લોકોને સસ્ટેનેબિલિટી અને ગ્રીન એનર્જી અંગે જાગૃત કરશે.
આ યાત્રાએ અત્યાર સુધીમાં લગભગ 975 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને વિવિધ ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ તથા જાહેર જોડાણ અભિયાનો દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યો છે. અમદાવાદમાં યાત્રાને નાગરિકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સંસ્થાઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રતિસાદ સોલર, વિન્ડ અને હાઇડ્રોપાવર જેવા રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને રસને પ્રતિબિંબિત કરે છે.
અમદાવાદ ખાતે યોજાયેલી પ્રવૃત્તિઓમાં નુક્કડ નાટક (શેરી નાટકો), ક્લિન એનર્જી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે ઇન્ટરેક્ટિવ મિથ-બસ્ટિંગ સત્રો તેમજ નાગરિકોને ડિજિટલ ગ્રીન પ્રતિજ્ઞા લેવડાવવાની પહેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે અવાદા ગ્રૂપના ચેરમેન વનીત મિત્તલ એ જણાવ્યું હતું કે, 'ભારતમાં ગ્રીન એનર્જી અપનાવવાની ગતિ હવે વધુ તેજ કરવાની જરૂર છે. વૈશ્વિક સ્તરે ઊભી થતી ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને અશ્મિભૂત ઇંધણના પુરવઠામાં થતા વિક્ષેપ વચ્ચે ભારત માટે ક્લિન એનર્જી તરફનું ટ્રાન્ઝિશન માત્ર પર્યાવરણીય પ્રાથમિકતા જ નહીં પરંતુ એનર્જી સિક્યુરિટી અને આત્મનિર્ભરતા માટેનું વ્યૂહાત્મક પગલું પણ છે. ભારત હાલ એક મહત્વપૂર્ણ તબક્કે છે અને આગામી પરિવર્તનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય બનશે. 'અવાદા ભારત ઉદય યાત્રા' દ્વારા અમારો પ્રયાસ દેશભરમાં ક્લિન એનર્જી અંગે જાગૃતિ વધારવાનો અને વધુ લોકો સુધી ગ્રીન એનર્જીનો સંદેશ પહોંચાડવાનો છે.'

