Dailyhunt
અમેરિકાના આકાશમાં `ડૂમ્સ ડે' વિમાન

અમેરિકાના આકાશમાં `ડૂમ્સ ડે' વિમાન

વી દિલ્હી, તા.7 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું `ડૂમ્સડે પ્લેન' તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.

બોઈંગ ઈ-4ઇ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સને પણ સહન કરી શકે છે. કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે.

આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે. સોમવારના રોજ ફલાઈટ ટ્રાકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે 10.17 વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડયું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા છ ચક્કર લગાવ્યા હતા.

જોકે, સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવાર સુધીની ડેડલાઇન આપતા ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેઓ વૈશ્વિક ઉર્જા માર્ગો ખોલવા માટે તૈયાર નહીં થાય, તો તેહરાનને નરક બનાવી દઇશું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra