Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અરજદારોને મળવાનો સમય, ફોન ન ઉપાડવા મુદ્દે વિપક્ષી નગરસેવક-સી.ઓ. આમને-સામને

અરજદારોને મળવાનો સમય, ફોન ન ઉપાડવા મુદ્દે વિપક્ષી નગરસેવક-સી.ઓ. આમને-સામને

ભુજ, તા. 3 : શહેરમાં વરસાદ બાદ અનેક સ્થળે ભરાયેલાં પાણી, બંધ લાઇટો, ઊભરાતી ગટરો અને ગટર મિશ્રિત પાણી વિતરણની સમસ્યાને પગલે વિપક્ષી નગરસેવકો દ્વારા આજે ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી. આ દરમ્યાન સી.ઓ. ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ તથા અરજદારોને મળવાના સમય મુદ્દે એક તબક્કે નગરસેવક અને મુખ્ય અધિકારી આમને-સામને આવી જતાં વાતાવરણ ગરમાયું હતું.

ભુજમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારો, માર્ગો પર ભરાયેલાં પાણી, ઠેકઠેકાણે ઊભરાતી ગટરો, ખુલ્લી ચેમ્બરો, નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું ગટર મિશ્રિત પાણી, 700થી 800 બંધ લાઇટ સહિતની લોક સમસ્યા મુદ્દે કોંગ્રેસના નગરસેવકોએ મુખ્ય અધિકારીને રજૂઆત કરતાં જણાવ્યું કે, અનેક ફરિયાદો કરવા છતાં સુધરાઇના ઇજનેરો, સ્ટાફ દ્વારા સમસ્યાનો ઉકેલ કરવામાં નથી આવતો, તો વિપક્ષના વોર્ડમાં પણ ભેદભાવના આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત મુખ્ય અધિકારી વિપક્ષી નગરસેવકો, કોંગ્રેસના હોદ્દેદારોના ફોન ઉપાડતા ન હોવાની પણ ઉગ્ર રજૂઆત કરાઇ હતી. રજૂઆત દરમ્યાન સત્તાપક્ષના સભ્યે ગમે ત્યારે ચેમ્બરોમાં બેઠા હોય અને વિપક્ષના નગરસેવકો, હોદ્દેદારોને મુખ્ય અધિકારી અને સુધરાઇના પદાધિકારીઓ ચેમ્બર બહાર રાહ જોવાનું કહેવા મુદ્દે તેમજ મુખ્ય અધિકારી દ્વારા અરજદારોને ચોક્કસ સમયે જ મળવાનો સમય નક્કી કરાયા મુદ્દે વિપક્ષી નગરસેવક કિશોરદાન ગઢવી અને સી.ઓ. આમને-સામને થઇ જતાં મામલો ગરમાયો હતો.

અલબત્ત, કચેરીમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, જિલ્લા ઉ.પ્ર. રામદેવસિંહ જાડેજાએ મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. ઉપરોક્ત રજૂઆતમાં નગરસેવકો ફકિરમામદ કુંભાર, અંજલિ ગોર, આયસુબેન સમા, ચેતન શાહ, ચંદ્રાબેન સોની, ફાતમાબેન સમા, આદિલ જત, કાસમ કેવર વિ. જોડાયા હતા. અંતે મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલે પ્રશ્નો હલ કરવા સુધરાઇના સ્ટાફને સૂચનાઓ આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra