Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારતીય રેલ નક્શામાં ભુતાન પણ જોડાશે

ભારતીય રેલ નક્શામાં ભુતાન પણ જોડાશે

વી દિલ્હી, તા. 30 : ભારત અને ભુતાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંને દેશોને જોડતી આશરે 57.5 કિલોમીટર લાંબી કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનનાં નિર્માણ માટે સરકારે આશરે 3,500 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કર્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટને `સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ ' ( વિશેષ રેલવે પ્રોજેક્ટ)નો દરજ્જો આપ્યો છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ ભુતાન સીધું ભારતીય રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે. કોકરાઝાર-ગેલેફુ રેલવે લાઇનને `સ્પેશિયલ રેલ પ્રોજેક્ટ'નો દરજ્જો મળવાથી જમીન સંપાદન, જંગલ અને પર્યાવરણીય મંજૂરીઓ તેમજ અન્ય વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનશે. આ રેલવે ભારત અને ભુતાન વચ્ચે વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવશે. આ ઉપરાંત, ભુતાનના મહાત્ત્વાકાંક્ષી `ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી' પ્રોજેક્ટને પણ ભારતીય રેલ નેટવર્ક સાથે સીધું જોડાણ મળશે.

આ પ્રોજેક્ટનું મહત્ત્વ માત્ર સામાન્ય પ્રવાસ અને માલ-સામાનના પરિવહન પૂરતું મર્યાદિત નથી. ભારત-ભુતાન સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી સુધરવાથી લશ્કરી લોજિસ્ટિક્સ અને સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. હાલમાં ખરાબ હવામાન, ભૂસ્ખલન અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે માર્ગ વાહનવ્યવહાર પ્રભાવિત થાય છે. રેલ નેટવર્ક પૂર્ણ થતાં જવાનો, આવશ્યક પુરવઠા અને સુરક્ષા સાધનોની હિલચાલ પહેલાં કરતાં વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

સિક્કિમને બ્રોડગેજ રેલ નેટવર્ક સાથે જોડતો 44.96 કિલોમીટર લાંબો `સેવોક-રંગપો' રેલ પ્રોજેક્ટ પણ બાંધકામના અંતિમ તબક્કામાં છે. આ રેલવે લાઇનનો મોટો ભાગ ટનલમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા `િતસ્તા બજાર' રેલવે સ્ટેશન છે, જે પહાડની અંદર ટનલમાં બનાવવામાં આવી રહ્યું છે. તે દેશનું પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) બ્રોડગેજ રેલવે સ્ટેશન બનશે. આશરે 12,450 કરોડ રૂપિયાના સુધારિત ખર્ચે નિર્માણધીન આ પ્રોજેક્ટમાં સુરક્ષા તપાસ પૂર્ણ કરીને ડિસેમ્બર 2027 સુધીમાં ટ્રેન વ્યવહાર શરૂ કરવાનો લક્ષ્‍યાંક છે. આ બંને રેલ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી પૂર્વોત્તર ભારતની સરહદી સજ્જતા, પ્રાદેશિક વેપાર અને વ્યૂહાત્મક ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra