Dailyhunt
છપૈયાથી ભુજ સુધીની 1700 કિ.મી.ની રિક્ષાયાત્રા

છપૈયાથી ભુજ સુધીની 1700 કિ.મી.ની રિક્ષાયાત્રા

ભુજ, તા. 7 : મેઈક અ ચેન્જ ફાઉન્ડેશન - યુકે દ્વારા 29 રિક્ષા સાથે 87 સહભાગી ભાઈઓ-બહેનો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાનાં વતન કચ્છના ભુજ સુધી અંદાજે 1700 કિ.મી.ની યાત્રાનું સમાપન કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. રિક્ષાયાત્રાનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો હતો. આ આયોજન દરમિયાન મળેલા સહયોગનો ઉપયોગ કેન્યાના આફ્રિકન લોકો માટે આંખોના આરોગ્ય કેમ્પમાં કરવામાં આવશે.

આ યાત્રામાં ઇંગ્લેન્ડ, કેન્યા અને ઓસ્ટ્રેલિયા જેવા ત્રણ દેશના લોકો સહભાગી બન્યા હતા. યાત્રાની વિશેષતા એ રહી કે, મેઈક અ ચેન્જની બે મહિલા સહિત તમામ અગિયાર ટ્રસ્ટી સાથે કેટલાય મોટા ઉદ્યોગપતિઓ અને યુકે સમાજના ખજાનચીએ પણ રિક્ષાયાત્રામાં ભાગ લીધો હતો. સાત દિવસીય યાત્રા ઉત્તરપ્રદેશના અયોધ્યા, કાનપુર અને આગ્રા તેમજ રાજસ્થાનના જયપુર અને પાલી મારફતે પસાર થઈ, ત્યારબાદ પાલનપુર અને રાપર રોડ મારફતે ભુજ પહોંચી હતી. ગુજરાતમાં ત્રણ દિવસની યાત્રા રહી હતી.

ગુજરાતના સમગ્ર માર્ગ પર સુરક્ષા માટે બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા રિક્ષાચાલકોનું સ્વાગત તેમજ ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં સહભાગીઓના આરોગ્યની સંભાળ માટે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના માર્ગમાં સેવા સાધના - કચ્છ સંસ્થા દ્વારા યાત્રીઓનું ચા-નાસ્તા સાથે પરંપરાગત વેશભૂષામાં તિલક અને પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મેઈક અ ચેન્જ દ્વારા રાપર સ્થિત સેવા સાધના કચ્છ સંચાલિત કુમાર છાત્રાલય માટે લાયબ્રેરીમાં કોમ્પ્યુટર, ફર્નિચર અને પુસ્તકો માટે સાત લાખનો સહયોગ અપાયો હતો. યાત્રીઓએ છાત્રાલયની મુલાકાત લઈને લાયબ્રેરીનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. મહેમાનોનું સ્વાગત અને સંવાદ ગૃહપતિ ડાહ્યા ઠાકોર, ટ્રસ્ટી રોહિત ઠક્કર અને સંજય ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. દરમ્યાન યાત્રાની પૂર્ણાહુતિ થતાં તમામ રિક્ષા કચ્છ-સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકો માટે મફત અપાઇ હતી.

રાપરના સ્વામિનારાયણ મંદિરના સંત બાલકૃષ્ણદાસજીએ યાત્રીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાપન કાર્યક્રમમાં મેઈક અ ચેન્જના પ્રમુખ કિરણભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિપંડોરિયા અને એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા સહિત ત્રણેય ટ્રસ્ટોના મહિલા ટ્રસ્ટીઓ અને સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.મેઈક અ ચેન્જ ફાઉન્ડેશન તરફથી સહયોગ આપનાર તમામ વ્યક્તિઓને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. રિક્ષાયાત્રીઓ અને મહેમાનોનું સ્વાગત પ્રવચન લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ ખેતાણીએ કર્યું હતું. ગોપાલભાઈ ગોરસિયા દ્વારા ફાઉન્ડેશનનાં કાર્યો માટે લોકોએ આપેલા ફંડનો સો ટકા ઉપયોગ નિશ્ચિત કામ માટે જ કરવામાં આવે છે, નહીં કે તે ફંડમાંથી અન્ય ભાડાં કે વ્યવસ્થામાં ખર્ચ પાડવામાં આવતો હોય છે.

આ નિયમ સૌના માટે અનુકરણીય છે તેવી ટકોર સાથે ભવિષ્યમાં કોઈ પણ સારાં કાર્યોમાં સમાજનો સહયોગ મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. સેવા સાધનાના ટ્રસ્ટી નારાણભાઈ વેલાણીએ અત્યાર સુધી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી હાજીપીર ગામનું નિર્માણ સહિત વિવિધ સેવાકાર્યોની માહિતી આપી હતી. આયોજન રામજીભાઈ સેંઘાણી, અશ્વિનભાઈ પિંડોરિયા, તો સંચાલન ફાઉન્ડેશનના ટ્રસ્ટી સચિન મેઘાણી અને સમાજના ટ્રસ્ટી જેન્તીભાઈ વેકરિયાએ કર્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખ કિરણ પિંડોરિયાએ સૌનો આભાર માન્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra