Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગાંધીધામમાં ડિવાઇડર-રોડ સમાન થતાં અચાનક રોડ ક્રોસથી અકસ્માતો વધ્યા

ગાંધીધામમાં ડિવાઇડર-રોડ સમાન થતાં અચાનક રોડ ક્રોસથી અકસ્માતો વધ્યા

ગાંધીધામ, તા. 28 : ટાગોર રોડથી જૂની કોર્ટ ક્રોમા સેન્ટરથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધી લગભગ સાત કરોડ જેટલી માતબર રકમના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાયું છે. કામગીરીની ગુણવત્તા સામે તો પહેલેથી જ સવાલો છે, હવે આ માર્ગ ઉપર અકસ્માત સર્જાવવાની સમસ્યા ઊભી થઈ છે. ક્રોમા સેન્ટરથી જૂની કોર્ટ ત્યાંથી આગળ સુધી ડિવાઇડર અને રોડ સમાંતર થઈ જતાં ફોરવ્હીલ તથા ટુ વ્હીલર વાહનો ડિવાઈડર ક્રોસ કરે છે , જેના પગલે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.

ખરેખર રોડથી ડિવાઈડર એક ફૂટ અને તેથી વધારે હાઈટમાં હોવું જોઈએ, તો જ હેતુ સાર્થક થાય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર તથા એન્જિનીયરે આ બાબતે ધ્યાન દીધું નથી. ડિવાઈડરની ઊંચાઈ વધાર્યા વગર જ જૂના ડિવાઇડરમાં કલરકામ શરૂ કરી દીધું છે, જેના પગલે અનેક સવાલો ઊઠી રહ્યા છે. સૂત્રોનું માનીએ, તો ટેન્ડરમાં ડિવાઇડરનું કામ છે, પરંતુ ક્રોમા સેન્ટરથી લઈને અપનાનગર ચાર રસ્તા સુધી અને ટાગોરથી લઈને શિવાજી પાર્ક બગીચા અને ત્યાંથી 400 ક્વાર્ટર સુધીના માર્ગનું કામ ટેન્ડર મુજબ થયું ન હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મુજબ કરાવવામાં નિષ્ફળ છે, પ્લાન્ટ ઉપરથી ડામરની ગાડી ભરાઈને નીકળે, ત્યારે કેટલું તાપમાન હોય છે, જ્યારે જમીન ઉપર પથરાય છે, ત્યારે કેટલું તાપમાન હોવું જોઈએ, કેટલા ટન ડામર આવે છે, થીકનેસ કેટલી છે તમામ બાબતો ઉપર એન્જિનીયરોએ ધ્યાન રાખવાનું છે, પરંતુ આઉટસોર્સિંગથી ભરતી કરેલા આ ઇજનેરો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે તેના પરિણામે જમીન ઉપર ગુણવત્તા સાથેનાં કામો થતાં નથી, તો ગંભીર આક્ષેપો તો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ માર્ગ ઉપર ડિવાઇડર અને રોડ બંને સમાંતર થઈ જતાં વાહનો ડિવાઈડર ઉપર ચડાવીને રોડ ક્રોસ કરે છે તેમાં અકસ્માતો વધી રહ્યા છે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે પગલાં ભરવાં જરૂરી છે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શેઠનો સંપર્ક કરતાં તેમણે મામલો ધ્યાને આવ્યો છે અને કામગીરી કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra