Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કચ્છ સરહદે મહાકાય સુરક્ષા માળખું રચાશે

કચ્છ સરહદે મહાકાય સુરક્ષા માળખું રચાશે

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 30 : કચ્છની પાકિસ્તાન સરહદે હવે સુરક્ષાની લડાઈ માત્ર સરહદ પર ઊભેલા જવાનો અને તેમની સતત નજર સુધી સીમિત રહેવાની નથી. જ્યાં એક તરફ રણ, કાદવ, ખારાશ અને ક્રીકનું બદલાતું ભૂગોળ સુરક્ષા દળો માટે સતત પડકાર ઊભો કરે છે, ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકારે આ જ દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાંકીય આધાર આપવાની દિશામાં રૂા.

432.09 કરોડના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું મહાકાય કામ હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટમાં માત્ર સરહદી ચોકીઓ ઊભી કરવાની વાત નથી. જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રાજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધાઓ સાથે સરહદી કામગીરી માટે જરૂરી સમગ્ર માળખું ઊભું કરવાની યોજના છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે કચ્છના ભારત પાકિસ્તાન સરહદના ક્રીક વિસ્તારમાં આ માટે પ્લાનિંગ, સામગ્રીની ખરીદી અને બાંધકામ કરીને તૈયાર પ્રોજેક્ટ સરકારને સુપરત કરે તે આધારિત પદ્ધતિથી ટેન્ડર બહાર પાડયું છે. આ કામ 32 મહિનામાં પૂરું કરાશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કચ્છના ક્રીક વિસ્તારમાં સરહદી સુરક્ષા માટે જરૂરી અલગ અલગ સુવિધાઓને છૂટાછવાયા કામ તરીકે નહીં, પરંતુ એક જ મોટા માળખાંકીય પેકેજ તરીકે વિકસાવવાની કવાયત થઈ રહી છે એટલે કે સરહદી ચોકી ઊભી થશે, પરંતુ તે ચોકી સુધી પહોંચવાનો માર્ગ પણ હશે. પાણીના વિસ્તારમાં કામગીરી માટે જેટી પણ હશે, ઊંચાઈ પરથી નજર રાખવા માટે નિરીક્ષણ ટાવર પણ હશે અને મુશ્કેલ જળપ્રદેશમાં જરૂરી ડ્રાજિંગની કામગીરી પણ કરવામાં આવશે. કચ્છની ભારત પાકિસ્તાન સરહદનો ક્રીક વિસ્તાર સામાન્ય જમીની સરહદ જેવો નથી. અહીં સુરક્ષા વ્યવસ્થાને એકસાથે જમીન અને જળપ્રદેશ બંનેની વાસ્તવિકતા સાથે કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં સરહદી ચોકી સુધી માણસો, વાહનો અને સામગ્રી પહોંચાડવી હોય કે જળમાર્ગથી કામગીરી કરવી હોય, તો માત્ર ચોકીની ઇમારત પૂરતી નથી. આ જ સંદર્ભમાં નવા પ્રોજેક્ટમાં જેટી અને ડ્રાજિંગનો સમાવેશ કરાયો છે. જેટી જળમાર્ગ આધારિત અવરજવર અને કામગીરી માટે જરૂરી માળખું પૂરું પાડશે. જ્યારે ડ્રાજિંગનો સમાવેશ ક્રીકના જળમાર્ગને કામગીરીલાયક રાખવા સાથે સંબંધિત છે. ટેન્ડરમાં આ બંને કામને સરહદી ચોકીઓ તીમવશ પહોંચવા માટેના માર્ગો અને અન્ય સુવિધાઓ સાથે જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આવા પહોંચ માર્ગો સાથે કલ્વર્ટનું કામ પણ થવાનું હોવાથી ક્રીક વિસ્તારમાં જમીની જોડાણ મજબૂત કરવાની દિશામાં પણ આ પ્રોજેક્ટ મહત્ત્વનો બની શકે છે એટલે કે, આ આખી યોજના મૂળભૂત રીતે ચોકી બનાવોથી આગળ વધીને ચોકીને સતત કાર્યરત રાખવા માટે જરૂરી આખું માળખું બનાવાશે. વાસ્તવમાં ક્રીક વિસ્તારમાં સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે કેમ કે અહીં જમીન અને પાણી વચ્ચેની સરહદ આ પ્રોજેક્ટને માટો બનાવે છે, જે પાંચ અલગ ક્રીક વિસ્તારમાં વહેંચાયેલો છે. જે મુજબ રામેશ ચેનલ, ઈશ્વર ચેનલ, દેવેન્દ્ર ચેનલ, વિક્રમ ચેનલ અને દાફા-ટુ. એટલે રૂા. 432.09 કરોડનું રોકાણ કોઈ એક સરહદી ચોકી કે એક જ સ્થળ પૂરતું નથી, પરંતુ દરેક સ્થળે ચોક્કસ કેટલા માળખાં ઊભાં થશે. ટૂંકમાં આ પાંચેય ક્રીક વિસ્તારમાં સરહદી ચોકીઓ સાથે જોડાયેલી અનેક સુવિધાઓનો વિકાસ એક જ ઈપીસી પેકેજમાં કરવામાં આવશે. આ બાબત કચ્છ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં સરહદી કામગીરીનું અંતર અને ભૌગોલિક મુશ્કેલી બંને સામાન્ય મેદાની સરહદ કરતાં જુદી છે. દૂરના વિસ્તારોમાં માળખાંકીય સુવિધા ઊભી થાય એટલે માત્ર બાંધકામ નહીં, પરંતુ પુરવઠો, અવરજવર અને કામગીરીની સતત ક્ષમતા પણ સુધરી શકે છે.

ચોકીથી આગળ : પાણી, વીજળી અને રાજિંદી કામગીરીનું માળખું

* સરહદ પર કોઈ ચોકી ઊભી કરવી એ એક બાબત છે, પરંતુ ત્યાં સુરક્ષા દળો સતત અને અસરકારક રીતે કામગીરી કરી શકે તે માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવી બીજી બાબત છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, તેમાં પાણી સંગ્રહ સુવિધા, ડીઝલ જનરેટર સેટ અને આંતરિક વીજળીનાં કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

* કચ્છના દૂરના ક્રીક વિસ્તારમાં સામાન્ય શહેરી માળખાંકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવી સ્વાભાવિક નથી. આવી સ્થિતિમાં પાણી અને વીજળીની વ્યવસ્થા ચોકીની દૈનિક કામગીરી માટે પાયાની જરૂરિયાત બની જાય છે. જનરેટરનો સમાવેશ પણ વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા તરફ સંકેત આપે છે.

* આ રીતે પ્રોજેક્ટમાં માત્ર બાંધકામ પૂરું કરવાનું નહીં, પરંતુ તૈયાર થયેલી સરહદી ચોકીને વાસ્તવિક કામગીરી માટે ઉપયોગી બનાવવા માટેની મૂળભૂત સુવિધાઓ પણ જોડવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra