Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોઠારા પશુ દવાખાને દાયકાથી તાળાં : પ0 ગામના માલધારીઓ હેરાન

કોઠારા પશુ દવાખાને દાયકાથી તાળાં : પ0 ગામના માલધારીઓ હેરાન

લિયા, તા. 4 : અબડાસા તાલુકામાં પશુપાલન એ જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. એક તરફ સરકાર પશુપાલકોની સુખાકારી માટે મોટી-મોટી વાતો કરે છે, બીજી તરફ કોઠારા ખાતે આવેલું જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનું છેલ્લા એક દાયકાથી `ભૂતિયા બંગલા'માં ફેરવાઈ ગયું છે. કાગળ પર આ દવાખાનું કાર્યરત છે, પરંતુ વાસ્તવિકતામાં અહીં ડોક્ટર તો શું, પાયાની સુવિધા પણ નસીબ થતી નથી.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દવાખાનાંની હાલત એટલી બદ્તર છે કે, ચારેબાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જે મુખ્ય પ્રવેશદ્વાર હોવું જોઈતું હતું, તે હવે ગાયબ થઈ ગયું છે. દવાખાનું એટલું ખંડેર બની ગયું છે કે, અંદર પ્રવેશવું મુશ્કેલ છે. મિસ્ટર ઈન્ડિયા ફિલ્મની જેમ કોઈ અદૃશ્ય વ્યક્તિની જેમ ક્યારેક કોઈ આવે તો આવે, બાકી અહીં કાયમી ધોરણે તાળાં જ જોવા મળે છે.

અંદર હજુ પણ જૂની દવાઓનો જથ્થો અને સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ તેનો ઉપયોગ કરનાર કોઈ જવાબદાર અધિકારી કે ડોક્ટર ફરકતા નથી. પી. જે. સોઢાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, `દવાખાનું જ્યારે બન્યું ત્યારથી જ તે શોભાના ગાંઠિયા સમાન છે.

ડોક્ટરની ગેરહાજરીને કારણે ગરીબ પશુપાલકોએ પોતાના મૂંગા પશુઓની સારવાર માટે ખાનગી ડોક્ટરોને બોલાવવા પડે છે, જેઓ મનસ્વી ભાવ વસૂલે છે. સરકારી સુવિધા હોવા છતાં પશુપાલકો આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે.' કિશોર ઠક્કરે વિગતો આપતાં જણાવ્યું કે, કોઠારાની આસપાસ 50થી વધુ ગામડાંઓ આવેલાં છે, જેનો મુખ્ય વ્યવસાય જ પશુપાલન છે. આવી સ્થિતિમાં પશુ બીમાર પડે ત્યારે આસપાસમાં કોઈ સરકારી સહાય ન મળવી તે ખૂબ જ ગંભીર બાબત છે. સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ કોઈ દાદ આપવામાં આવતી નથી.

સરકારી મિલકત હાલમાં નધણિયાતી બની ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે, જો દવાખાનું ચલાવવું જ ન હોય તો ત્યાં લાખો રૂપિયાનાં સાધન અને દવાઓ શા માટે સડવા દેવામાં આવી રહી છે? જિલ્લા પંચાયતનું તંત્ર આ જર્જરિત હાલતને સુધારીને પશુપાલકોને રાહત અપાવશે કે પછી આ દવાખાનું માત્ર કાગળ પર જ જીવતું રહેશે કોઠારાના ગ્રામજનો હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને તાત્કાલિક અસરથી આ પશુ દવાખાનું રાબેતા મુજબ કાર્યરત કરવાની પશુપાલકો માંગ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra