Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોટી ચીરઇના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

મોટી ચીરઇના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

ગાંધીધામ, તા. 5 : ભચાઉના જૂની મોટી ચીરઇ ગામે લૂંટના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને આશરો આપી તેમને ભગાડવામાં મદદ કરવા તથા પી.એસ.આઇ. સાથે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ બદલ ચાર શખ્સો સામે ગુનો દર્જ થયો હતો. રાપર પોલીસ મથકે ફરજ બજાવતા પી.એસ.આઇ. ભરતકુમાર શિવા ચૌધરી તથા તેમની ટીમ ગાંધીધામ ખાતે કોર્ટમાં એફિડેવિટ કરી બહાર નીકળ્યા હતા ત્યારે આજે બપોરે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે , રાપર પોલીસ મથકે લૂંટના ગુનાના આરોપી સંજય વિશન લોદરિયા અને દિનેશ બેચર લોદરિયાને ચીરઇના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ આશરો આપ્યો છે.

જે ચીરઈ ગામમાં ચોકમાં આશાપુરા માતાના મંદિરની બાજુમાં ક્રેટા ગાડી લઈને બેઠા છે. દરમ્યાન આ પી.એસ.આઈ. અને તેમની ટીમ ચીરઈમાં પહોંચતાં મંદિર પાસે નંબરપ્લેટ વગરની કાળા કાચવાળી ક્રેટા ગાડી પાસે આ લૂંટના બંને આરોપી સંજય, દિનેશ તથા યુવરાજસિંહ અને સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢા બેઠા હતા. પોલીસે લૂંટના આરોપીઓને પકડવા જતાં યુવરાજ અને સ્વરૂપસિંહ આડા ઊભા રહી ગયા હતા અને બંને આરોપીઓને ભાગી જાઓ પોલીસ આવી છે તેમ કહી બંને આરોપીઓ બાઈકથી નાસી છૂટયા હતા.

ફોજદારે ફરજમાં રૂકાવટ ન કરવા કહેતાં યુવરાજ અને સ્વરૂપસિંહે ગાળાગાળી કરી આ ચીરઈ છે, તારા જેવા કેટલાય પી.એસ.આઈ. જોયા છે તેમ કહી ઝપાઝપી કરી હતી અને ધક્કો મારી ફોજદારને નીચે પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી આ બંને પણ નાસી ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી સંજય લોદરિયાની ક્રેટા કાર કબજે કારી હતી. ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ભચાઉ પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra