મુંદરા, તા. 7 : હાલમાં કચ્છમાં નવી મંજૂર શાળાઓને કન્ટીજન્સી ગ્રાન્ટ, રોટેશન પદ્ધતિથી બદલી/ફાળવણી, જ્ઞાન સહાયક શિક્ષકોનો પુરસ્કાર યોજનામાં સમાવેશ, તાલુકા બદલી માટેની અરજીની તારીખ લંબાવવા સહિતના મુદ્દે શિક્ષણાધિકારીઓને રજૂઆત થઈ છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે , કચ્છના સરહદી તથા અંતરિયાળ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા નવી શાળાઓને મંજૂરી પ્રાપ્ત થઈ છે , જે સારી વાત છે, પણ નવી શાળાઓમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી સુચારુ રીતે શરૂ થઈ શકે તે માટે જરૂરી સ્ટેશનરી સામગ્રી માટે કન્ટીજન્સી ગ્રાન્ટ અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ કરાવાય.
વધુમાં, આ શાળાઓ માટે થયેલ કર્મચારી ફાળવણી સંબંધિત આદેશોમાં ટી.એ./ડી.એ. અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી આ બાબતે સ્પષ્ટતા સાથે સુધારાત્મક આદેશ કરાય. ઉપરાંત, એક શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ કર્મચારીઓની રોટેશન પદ્ધતિથી બદલી/ફાળવણી કરવાની વ્યવસ્થા કરાય.
એક વર્ગના મહેકમ મુજબ ઓછામાં ઓછા એક જ્ઞાન સહાયકની ફાળવણી કરાય. આ સિવાય અન્ય એક પત્રમાં રજૂઆત થઈ હતી કે, ધો. 10 પરીક્ષામાં મુખ્ય પાંચ વિષયોમાં વ્યક્તિગત વિષયનું 100 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર વિષય શિક્ષકોને આપવામાં આવતી પુરસ્કાર યોજનામાં જ્ઞાન સહાયક શિક્ષકઓનો પણ સમાવેશ કરાય. જ્ઞાન સહાયક શિક્ષકોનું યોગદાન અન્ય નિયમિત શિક્ષકો જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.
આ ઉપરાંત મહાસંઘના માધ્યમિકના અધ્યક્ષ ડો. શૈલેન્દ્રાસિંહ જાડેજા અને ઉચ્ચ માધ્યમિકના અધ્યક્ષ અમોલ ધોળકિયા તેમજ હોદ્દેદારોની સહી સાથેની એક અલગ રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન યોજાનાર જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં પ્રવર્તમાન નિયમો મુજબ તાલુકા ફેરબદલીનો લાભ શિક્ષકને માત્ર બે વખત જ મળી શકે છે. આ મર્યાદા દૂર કરવા ઉચ્ચ કક્ષાએ હકારાત્મક ભલામણ કરાય. હાલમાં મંજૂર થયેલ નવી શાળાઓની ખાલી જગ્યાઓ તાલુકા ફેરબદલી કેમ્પમાં સમાવેશ કરી દર્શાવવામાં આવે તેમજ જિલ્લા આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલી અથવા નવી ઉપલબ્ધ થયેલી જગ્યાઓ માટે પ્રાથમિક શાળાઓની જેમ સરભર કેમ્પ (તાલુકા ફેરબદલી) યોજાય અને તાલુકા ફેરબદલી માટે અરજી જમા કરાવવાની તા. અંતિમ વધારો કરીને તા. 26/07/2026 સુધી લંબાવાય.

