Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સામખિયાળીમાં 17.79 લાખનો માદક પદાર્થ જપ્ત

સામખિયાળીમાં 17.79 લાખનો માદક પદાર્થ જપ્ત

ગાંધીધામ, તા. 4 : ભચાઉના સામખિયાળી નજીક નવાગામ તરફ જતા માર્ગ પર બિહારથી અહીં માદક પદાર્થ વેચવા આવેલી એક મહિલા સહિત બે લોકોની એસ.ઓ.જી.એ ધરપકડ કરી હતી. આ બંને પાસેથી રૂા. 17,79,500નો 35.590 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ગઇકાલે રાત્રે ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન એક મહિલા અને યુવાન અહીં આવી માદક પદાર્થનું છૂટકમાં વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

સામખિયાળીથી આંબલિયારા રોડ પર જઇ નવાગામ તરફ જતા માર્ગ પર આવતાં આર્ટિકા ગાડી નજરે પડી હતી. આ ગાડી નંબર જી.જે. 27-ટી.ટી. 8944ના ચાલક દિલીપ કરશન સોલંગીની પૂછપરછ કરાતાં અંદર બેઠેલી મહિલા અને યુવાને ઉબેર ટેક્સી સર્વિસ મારફતે ઓનલાઇન ટેક્સી અમદાવાદથી સામખિયાળી સુધી બુકિંગ કરાવી હતી અને પોતે આ બંનેને કાલુપુર અમદાવાદથી બેસાડી અહીં લઇ આવ્યો હોવાનું તથા તેમની પાસે બે સુટકેશ અને એક થેલો હોવાનું જણાવ્યું હતું.

પોલસે બિહારની અમના ખાતુન ઉર્ફે ગૌરી બસીર મુસ્લિમ તથા આયુષકુમાર ઉર્ફે શિવમ પવનરાયની પૂછપછ કરી બંનેના કબજામાં રહેલા સુટકેશ, થેલાની તપાસ કરતાં અંદરથી સાત પેકેટ સેલોટેપથી વીંટળાયેલા મળી આવ્યા હતા. આ બંનેને સાથે રાખી ભચાઉ લઇ જવાયા હતા જ્યાં એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં વનસ્પતિજન્ય લીલા રંગનો આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ સાતેય પેકેટનું વચન કરાવાતાં 35.590 કિલો ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલા અને યુવાન દાનાપુરથી અમદાવાદ ખાતે રેલવેથી તા.

1/8/2026ની ટિકિટ લઇ અહીં આવ્યા હતા અને અહીં છૂટકમાં ગ્રાહકોને આ નશો વેચવાના હતા. બંને પાસથી રૂા. 17,79,500નો ગાંજો જપ્ત કરી આ માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો તેની પૂછપરછ કરાતાં હાલ સુધીમાં બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના અશોકભાઇ સોંધરા, વીરેન્દ્ર પુરોહિત, વિશ્વજીતસિંહ જાડેજા, આશિષકુમાર ભટ્ટ, ગુલાબસિંહ, વનરાજસિંહ જાડેજા, પ્રકાશ દવે, શ્રીયાબેન મારૂ, હેમુભાઇ પઢેરિયા, સુનીલ માતંગ વગેરે જોડાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra