Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સીલ કરેલી એ 15 મિલકતના 30 લાખ હજુ સુધી આવ્યા નથી

સીલ કરેલી એ 15 મિલકતના 30 લાખ હજુ સુધી આવ્યા નથી

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાકીય વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી- માર્ચ 2026માં વેરા વસૂલાત માટે જે મિલકતોના લાખો રૂપિયા બાકી હતા તેઓ વેરો ભરપાઈ કરતા ન હોવાથી તેમની મિલકતોને સીલ કરવામાં આવી હતી. છ મહિનાથી વધુનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી 15થી 18 મિલકતના 30 લાખ રૂપિયા આવ્યા નથી, જેમાં કડક કાર્યવાહીનો અભાવ વર્તાઈ રહ્યો છે.

જો તિજોરીમાં આવક કરવી હોય, તો સીલ કરેલી મિલકતોને હરાજી કરીને વેરાની વસૂલાત કરવી જરૂરી હોવાનું જાણકારો કહી રહ્યા છે. પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, સેક્ટર-9 સહિતના વિસ્તારોમાં જે 15થી 18 મિલકત સીલ કરવામાં આવી હતી તે પૈકીના એક મિલકતધારક રૂપિયા ભરી ગયા છે. અન્ય મિલકતધારકો હજુ સુધી રૂપિયા ભરવા આવ્યા નથી. લગભગ 30 લાખનો ટેક્સ વસૂલવાનો બાકી છે, મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આ મિલકતધારકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અન્ય મહાનગરપાલિકાઓમાં મિલકતોને હરાજી કરીને પણ વેરાની વસૂલાત થાય છે, ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ દિશામાં પગલાં ભરે એવી માંગ ઊઠી છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરમાં 61 હજાર કરદાતા પાસેથી 50 કરોડથી વધુનાં માગણા સામે પાંચ મહિના દરમિયાન 15 કરોડની વેરા વસૂલાત થઈ છે. મોટાભાગના કરદાતાઓએ ચાલુ વર્ષનો વેરો ભરી કરી દીધો છે, પરંતુ વર્ષો જૂનો ટેક્સ બાકી છે, તે કરદાતાઓ હજુ સુધી રૂપિયા ભરતા નથી તેમની પાસેથી વેરાની વસૂલાત માટે નોટિસ આપવા સહિતની કાર્યવાહી થઈ રહી છે ગ્રામીણ વિસ્તારમાં લગભગ 45,000 કરદાતા પાસેથી 32.80 કરોડનાં માગણા સામે 3.35 કરોડની વેરા વસૂલાત થઈ છે. તિજોરી તળિયાં ઝાટક છે. અમુક સમયે કર્મચારીઓના પગાર કરવાના રૂપિયા પણ ઘટે છે, કચેરીનો વહીવટ ચલાવવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે એવી સ્થિતિમાં સૌથી મોટા એવા એકમાત્ર આવકના સ્ત્રોત વેરા વસૂલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, પણ કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અને સત્તાધિશો બાકીદારો સામે કડક કાર્યવાહી કરે અને વ્યાજમાંથી યોજના લાગુ કરે, તો તિજોરીમાં આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાંચ લાખથી વધુના 30 સહિત 800ને નોટિસ ફટકારી

મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ અને તેથી વધુ જેનો વેરો બાકી છે, તેવા 30 સહિત 20 હજારથી ઉપરના 800 બાકીદારને વેરો ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ચાર મહિના દરમિયાન કાર્યવાહી થઈ છે, હાલના તબક્કે પાંચ લાખ અને તેથી વધુના બાકીદારો પાસેથી વસૂલાતને પ્રાથમિકતા અપાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં પણ વસૂલાત માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વ્યાજ માફી યોજના ઉપર સહી થતી નથી

સામાન્ય સભામાં સર્વાનુમતે વ્યાજમાફી યોજનાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સત્તાપક્ષ અને વિપક્ષ બંને આ યોજનાના સમર્થનમાં છે, પરંતુ હજુ સુધી આ યોજના લાગુ થઈ નથી અધિકારીઓ પાસે સહીમાં છે, પરંતુ તેની ઉપર હજુ સુધી સહી કરવામાં આવી નથી. પરિણામે યોજના લાગુ થઈ નથી જો આ યોજના લાગુ થાય, તો તળિયા ઝાટક તિજોરીમાં 22થી 25 કરોડ જેટલા રૂપિયા આવવાની સંભાવના છે.

ડીપીએ અને એસઆરસીને પત્ર લખાયા

મહાનગરપાલિકા દ્વારા જે મિલકતોને સીલ કરવામાં આવી છે, તે પૈકીની ઘણી મિલકતોના માલિકોને ખબર નથી તેના કબજેદાર કોણ છે, તેની માહિતી નથી. આ ઉપરાંત જોડિયા શહેરોમાં ઘણી એવી મિલકતો છે, જેના કબજેદાર અથવા તો માલિકની ઓળખ થતી નથી, જેના પગલે મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને એસઆરસીને પત્ર લખીને મિલકતોની માહિતી માગવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra