Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે સ્વાર્થભરી વાટાઘાટો

ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે સ્વાર્થભરી વાટાઘાટો

દુનિયાના બે સૌથી શક્તિશાળી રાષ્ટ્રનેતાઓ જ્યારે શિખર મંત્રણા માટે મળે ત્યારે સ્વાભાવિક રીતે વિશ્વની નજર આ મુલાકાત પર મંડાયેલી હોય છે. પશ્ચિમ એશિયામાં ભારે તકલાદી શાંતિ વચ્ચે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક યોજી ત્યારે બે દેશો વચ્ચેના જી-ટુ સમૂહના નામની ચર્ચા ફરી એક વખત સપાટીએ આવી.

બન્ને દેશના વડાએ વૈશ્વિક મહત્ત્વના મુદ્દાથી વિશેષ પોતાના દ્વિપક્ષીય સ્વાર્થના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને દુનિયાના દેશોમાં નિરાશાની લાગણી જગાવી છે. આ મહત્ત્વાકાંક્ષી વાટાઘાટોનું કોઈ નોંધપાત્ર પરિણામ આવ્યું નથી, પણ ટ્રમ્પે તાઈવાનના મામલે અમેરિકાનાં વલણમાં ફેરફારના સંકેત આપીને ભલભલાને ચોંકાવી મૂક્યા છે. ટ્રમ્પની જિનપિંગ સાથેની મંત્રણાથી દુનિયાને હાલની આર્થિક કટોકટીમાંથી રાહત મળે એવા ઉકેલની આશા હતી, પણ બન્ને દેશોએ માત્ર પોતાના સ્વાર્થના મુદ્દા પર ચર્ચા કરીને મહાસત્તાઓની ઉપર ભરોસો થઈ શકે નહીં એવું ચિત્ર ઊભું કર્યું છે. બન્ને દેશોએ હાથ મિલાવવાની શક્યતાઓ ચકાસી હતી.

આ માટે અંતરાયરૂપ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બન્ને દેશ સંબંધ સુધરે તો આર્થિક ફાયદો થાય તેવી આશા રાખી રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષમાં ટ્રમ્પે અમેરિકાના વલણને સ્વકેન્દ્રિત કર્યું છે. મહાસત્તા તરીકે દુનિયાની ચિંતા કરવાને બદલે તેમણે પોતાના પ્રભાવને વિસ્તારવાનું વધુ પસંદ કર્યું છે.

પોતાને લોકશાહી દેશ ગણાવતા અમેરિકાએ તાજેતરમાં અન્ય દેશો પર કબજો કરવાના કારસા કરીને ચીનના ઈરાદા સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યું છે. ચીન તો તાઈવાન અને જાપાન ઉપરાંત સાઉથ ચાઈના સી અને ભારતના સરહદી વિસ્તારોને હડપવાના પોતાના બદઈરાદા માટે આમે પણ દુનિયાભરમાં વગોવાયેલું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મંત્રણાએ 200પમાં પ્રચલિત બનેલા બે દેશોના સમૂહ જી-ટુના નામને ફરી જીવંત કર્યું છે. અમેરિકા અને ચીન હાથ મિલાવીને જી-20 જેવું જી-ટુ સમૂહ બનાવીને મોટી આર્થિક તાકાત બની શકે એવો વિચાર 200પમાં વહેતો મુકાયો હતો.

તે સમયે આર્થિક વ્યૂહાત્મક પગલાંમાં અમેરિકાએ 787 અબજ ડોલર અને ચીને પ86 અબજ ડોલરનું પ્રોત્સાહક પેકેજ પણ રચ્યું હતું. તેનાથી તે સમયે દુનિયાને આર્થિક કટોકટીમાં મદદ પણ મળી હતી. જો કે, તાજેતરની વાટાઘાટોમાં એક નવો પ્રવાહ સામે આવ્યો છે. બન્ને દેશોએ આ શિખરમાં 200 બોઈંગ વિમાનોના સોદાની સાથોસાથ ચાવીરૂપ વેપારી કરાર થયા, પણ આનાથી દુનિયાને કોઈ મોટો લાભ મળે તેમ જણાતું નથી.

આ મંત્રણામાં ચીને તાઈવાનને મદદ કરવા સામે અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી, તો અમેરિકાએ હાલના ખાડી જંગમાં ઈરાનને મદદ ન કરવા ચીનને કહ્યું છે. અમેરિકાને એમ લાગે છે કે, ઈરાનને ચીનની મદદ છે એટલે તે જંગમાં મચક આપતું નથી. તો બીજી તરફ તાઈવાનને હડપી લેવા વર્ષોથી ટાંપીને બેઠેલા ચીનને અમેરિકા અંતરાયરૂપ જણાય છે. હવે ચીને હોર્મુઝ જળમાર્ગને ખોલવાની જરૂરતમાં સૂર પુરાવ્યો છે.

તો અમેરિકાએ તાઈવાનને સ્વતંત્રતાની જાહેરાત કરવામાં ઉતાવળા ન થવાની સલાહ આપીને ચીનના ઈરાદામાં આડકતરો સૂર પુરાવ્યો છે. આમ આ શિખર મંત્રણાએ ખરા અર્થમાં દુનિયાને દેખીતી રીતે કોઈ ફાયદો કરાવ્યો નથી. વ્યાપારના મોરચે ટ્રમ્પ કહે છે, `અદ્ભુત વ્યાપાર કરાર' થયા છે, પણ આવી અતિશયોક્તિથી ચીન પ્રભાવિત થાય એમ નથી. અમેરિકાની કંપનીઓનો મોટો કાફલો લઈને આવ્યા, પણ ચીન ઉપર કોઈ અસર પડતી નથી.

750 બોઇંગ વિમાનની ખરીદીની વાત હતી, પણ માત્ર 200ની સમજૂતી થઈ. સોયાબીન પણ ખરીદશે, પોતાની જરૂરિયાત મુજબ બોઇંગ કંપનીએ 200 વિમાનોની ખરીદીની સમજૂતી થઈ હોવાના અહેવાલનું સમર્થન કર્યું છે, પણ ચીને હજુ નામ પાડયું નથી! અલબત્ત, બંને દેશો વચ્ચે `બોર્ડ ઓફ ટ્રેડ અને બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ' રચવાની સમજૂતી થઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra