Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંઢિયા નજીક હોટેલમાંથી 1.75 લાખનો નશીલો પદાર્થ ઝડપાયો

વાંઢિયા નજીક હોટેલમાંથી 1.75 લાખનો નશીલો પદાર્થ ઝડપાયો

ગાંધીધામ, તા. 30 : મોરબી-સામખિયાળી ધોરીમાર્ગ પર વાંઢિયાની સીમમાં આવેલી એક હોટેલમાં પોલીસે છાપો મારી અહીંથી રૂા. 1,75,665ના માદક પદાર્થ એમ.ડી. અને પોષડેડા પાઉડર સાથે ત્રણ શખ્સને પકડી પાડયા હતા. મોરબી-સામખિયાળી ધોરીમાર્ગ પર વાંઢિયા ગામની સીમમાં આવેલી હરિશિવ કૃપા રાજસ્થાની હોટેલમાં શખ્સો માદક પદાર્થ વેચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ ભાડાંની હોટેલમાંથી રાજેશકુમાર રૂગનાથારામ ઉર્ફે રઘુનાથારામ બિશ્નોઇ, રૂગનાથારામ ઉર્ફે રઘુનાથારામ બિશ્નોઇ તથા જગદીશ સોગારામ બિશ્નોઇને પકડી પાડી તેમને સાથે રાખી હોટેલની તપાસ કરી હતી. દરમ્યાન રસોડામાંથી ભૂરા રંગનો ભીનો ચીકણો પદાર્થ તથા ભૂખરા રંગનો પાઉડર મળી આવ્યો હતો. આ માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ તથા પોષડેડાનો પાઉડર હોવાનું પકડાયેલા રાજેશ બિશ્નોઇએ જણાવ્યું હતું.

પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ એમડી અને પોષડેડા હોવાનું જ પ્રાથમિક પૃથક્કરણમાં બહાર આવ્યું હતું. રાજેશનો પિતા રૂગનાથારામ મહિનામાં એક-બે વખત રાજસ્થાનથી અહીં આવતો ત્યારે માદક પદાર્થ સાથે લઇ આવતો હતો. હોટેલનો ધંધો ચાલતો ન હોવાથી આ શખ્સો ટ્રક, ટેન્કર વગેરેના ચાલકોને માદક પદાર્થ વેચી રોકડી કરી લેતા હતા અને જગદીશને વીસેક દિવસથી પોતાના આ માદક પદાર્થ વેચવા કામે રાખ્યો હોવાની કેફિયત પણ પોલીસ સમક્ષ આપી હતી.

આ શખ્સો અહીં વર્ષના પહેલા મહિનાથી હોટેલ ચલાવે છે. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 1,75,665નો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. તે ક્યાંથી માલ લઇ આવતા હતા તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra