Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વરસાદ ખેંચાતાં વિથોણ પંથકના ખેડૂતોમાં ઉચાટ

વરસાદ ખેંચાતાં વિથોણ પંથકના ખેડૂતોમાં ઉચાટ

વિથોણ (તા. નખત્રાણા), તા. 7 : વરસાદ ખેંચાતાં પથકના ખેડૂતોમાં ઉચાટ વ્યાપ્યો છે. વાયરો વાદળાને જામવા નથી દેતો. પશ્ચિમ કચ્છના ખેડૂતો કહે છે કે, જૂન કોરો ગયો, જરાય ખટકો નથી, પરંતુ જુલાઇમાં એક-એક દિવસ અકળામણ ઊભી કરે છે, રામમોલની જમીન તૈયાર છે. માત્ર વરસાદની રાહ જોવાય છે. જ્યારે ચોમાસુ મગફળીનું વરસાદની આશાએ કરેલાં વાવેતરના કુમળા છોડ પાલર પાણીની આશાએ ઊભા છે.

સમગ્ર ગુજરાતને ધમરોળતો મેઘો કચ્છમાં કામ નથી આવતો, તેવા પ્રશ્નો ખેડૂતોના મુખેથી નીકળી રહ્યા છે. પૂર્વ કચ્છના દ્વારે દસ્તક આપી વરસાદ ક્યાં અટકી ગયો છે. પંથકમાં પાણીમાં ક્ષાર અને કાંયાને કારણે મગફળી માથું ઊંચકતી નથી. ધરતીપુત્રો પણ કાગડોળે વરસાદની રાહ જુએ છે.

અત્યારે પશ્ચિમ કચ્છમાં પશુ પક્ષીઓ, માલધારીઓ, પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જુએ છે. વરસાદના વિલંબના કારણે ખેતી ઉપરાંત અન્ય ધંધા-રોજગાર ઉપર માઠી અસર થવાની ભીતિ સેવાય છે. હવે તો વગડામાં પણ પશુઓને ચરવાલાયક ઘાસનું તણખલું રહ્યું નથી. આકાશમાં વાદળોની જમાવટ છે, પરંતુ વરસાદ વરસતો નથી જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

વરસાદને વાયરો વેરી બન્યો છે. પવન દિશા બદલે તો વરસાદ માટે સંજોગો સર્જાય તેમ છે. પશ્ચિમ કચ્છના પર્યાવરણ અને પ્રકૃતિ માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. હવે વગડાની વનરાજી પણ સુકાવા લાગી છે. કચ્છ માટે હવામાન ખાતું અને અંબાલાલ પટેલની આગાહીઓ નિષ્ફળ જઇ રહી છે. પ્રકૃતિના દેવતાની પધરામણી માટે પ્રાર્થનાઓ થઇ રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra