Digital Census 2027 India: ભારતમાં છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. હવે પૂરા 16 વર્ષના અંતરાલ બાદ 'જનગણના 2027' ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે.
Digital Census 2027 : 17મી મેથી પ્રથમ તબક્કાની શરૂઆત
જનગણના 2027ના પ્રથમ તબક્કામાં 'ઘરયાદી' એટલે કે ઘરની યાદી અને ગણતરીનું કામ હાથ ધરવામાં આવશે, જેની કામગીરી ગુજરાતભરમાં 17મી મેથી શરૂ થશે.
આ તબક્કામાં બે રીતે માહિતી એકત્રિત કરવામાં આવશે, જેમાં 17મી મેથી પોર્ટલ પર ઓનલાઈન ડિજિટલ સ્વ-ગણતરી (Self-Enumeration) કરી શકાશે, જ્યારે 1લી જૂનથી ગણતરીદારો ડોર-ટુ-ડોર ગણતરી માટે ઘરે-ઘરે આવશે.
માહિતી ગુપ્ત રાખવા માંગો છો? તો આ રીતે કરો ‘સ્વ-ગણતરી’
જે પરિવારો પોતાની વિગતો અન્ય કોઈ વ્યક્તિ કે ગણતરીદારને રૂબરૂ આપવાને બદલે ગુપ્ત રાખવા માંગતા હોય, તેમના માટે ‘સેલ્ફ એન્યુમેરેશન’ એટલે કે જાતે માહિતી ભરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયામાં કુટુંબની કોઈ પણ એક વ્યક્તિ પોતાના મોબાઈલ નંબર દ્વારા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે અને પોર્ટલ પર પૂછવામાં આવેલા કુલ ૩૩ પ્રશ્નોના જવાબ ઓનલાઈન આપવાના રહેશે. માહિતી સબમિટ કર્યા બાદ એક સ્પેશિયલ કોડ જનરેટ થશે અને જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે, ત્યારે તમારે માત્ર આ કોડ તેમને આપવાનો રહેશે, જેથી તમારી વિગતો સીધી સિસ્ટમમાં અપડેટ થઈ જશે.
1 જૂનથી શરૂ થશે ડોર-ટુ-ડોર સર્વે
જે લોકોએ ડિજિટલી ઓનલાઈન માહિતી નથી ભરી, તેમના માટે 1 જૂનથી સરકાર દ્વારા નિમાયેલા ગણતરીદારો (કર્મચારીઓ) ઘરે-ઘરે જઈને આ 33 પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરશે.
નોંધ: જે પરિવારોએ 17 મે પછી ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ કરી લીધી છે, તેમણે માત્ર ઓનલાઈન જનરેટ થયેલો ‘કોડ-નંબર’ જ ઘરે આવનાર કર્મચારીને આપવાનો રહેશે. તેમને ફરીથી કોઈ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં.
ઘરગણતરીમાં કેવા પ્રશ્નો પૂછાશે?
આ વખતની જનગણનામાં ઘરની સુવિધાઓને લગતા કુલ ૩૩ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે ઘર માલિકીનું છે કે ભાડાનું તે અંગેની વિગત, પીવાના પાણીની સુવિધા, બાથરૂમની વ્યવસ્થા તેમજ ગેસ કનેક્શન, લેપટોપ અને ઈન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ અને કુટુંબના સભ્યોની પ્રાથમિક માહિતી આપવાની રહેશે.
અમદાવાદમાં 17,000 થી વધુ કર્મચારીઓ જોડાયા
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સેન્સસ વિભાગ દ્વારા આ મહા-અભિયાન માટે 11,600 થી વધુ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સરકારી શિક્ષકો, અધ્યાપકો અને અન્ય વહીવટી કર્મચારીઓનો સમાવેશ થાય છે. કામગીરી સુચારુ રીતે થાય તે માટે દર 6 થી 7 ગણતરીદારો પર એક સુપરવાઈઝર મુકવામાં આવ્યો છે. આમ, માત્ર અમદાવાદમાં જ 17 હજારથી વધુ કર્મચારીઓ આ રાષ્ટ્રીય કામગીરીમાં જોડાશે.

યાદ રાખો:
17 મે: ડિજિટલ સ્વ-ગણતરીની શરૂઆત.
01 જૂન: ડોર-ટુ-ડોર ગણતરીનો પ્રારંભ.
ફેબ્રુઆરી 2027: મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

