Devram Charan Hunger Strike: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી ફેલાઈ રહેલા ઔદ્યોગિક પ્રદૂષણ સામે હવે સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 16-16 વર્ષથી પ્રકૃતિ અને સ્થાનિકોના હક માટે લડતા દેવપરા-સૂરજકરાડી વિસ્તારના માલધારી આગેવાન દેવરામ વાલા ચારણે હવે આક્રમક વલણ અપનાવ્યું છે. સ્થાનિક તંત્રથી લઈને સરકાર સુધી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આખરે દેવરામ ચારણે ગાંધીનગર સ્થિત પર્યાવરણ ભવન (GPCB કચેરી) ખાતે જલદ ઉપવાસી આંદોલન શરૂ કરી દીધું છે.
હવા, જમીન અને સમુદ્રમાં ઝેર
આંદોલનકારી દેવરામ ચારણનો સીધો આક્ષેપ મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની પર છે. તેમનું કહેવું છે કે, કંપની દ્વારા વર્ષોથી બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કંપનીમાંથી નીકળતી રાસાયણિક ડસ્ટ, ફ્લાય એશ અને સિમેન્ટની ઉડતી ધૂળ સીધી આસપાસના ગામો (દેવપરા, પાડલી, હમુસર વગેરે) માં પ્રવેશે છે, જેના કારણે ગ્રામજનો શ્વાસની ગંભીર બીમારીઓ અને ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત, કંપની દ્વારા દરિયામાં સીધો ઝેરી કેમિકલયુક્ત કચરો છોડવામાં આવતો હોવાનો પણ દાવો કરાયો છે, જેનાથી માત્ર જળચર જીવો જ નહીં, પરંતુ માછીમારોની રોજીરોટી પર પણ મોટું સંકટ ઊભું થયું છે.
16 વર્ષથી માત્ર આશ્વાસન, કોઈ કડક કાર્યવાહી નહીં
દેવરામ ચારણે વ્યથા ઠાલવતા જણાવ્યું કે, વર્ષ 2011 થી તેઓ આ પ્રદૂષણ મામલે લોકશાહી ઢબે લડત ચલાવી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. સરકારી વિભાગોએ સ્થળ તપાસ અને સેમ્પલિંગ પણ કર્યા, જેમાં પ્રદૂષણ ફેલાતું હોવાની હકીકતો સામે પણ આવી. આમ છતાં, આજદિન સુધી કંપની સામે કોઈ જ નક્કર કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.
‘અંતિમ શ્વાસ સુધી લડીશ’: Devram Charan
ઝેરી વાતાવરણમાં જીવવા મજબૂર બનેલા લોકોનો અવાજ બનીને ગાંધીનગર પહોંચેલા દેવરામ ચારણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી આ પ્રદૂષણ અટકાવવા માટે કડક કાનૂની પગલાં નહીં લેવાય, ત્યાં સુધી તેમનો આ ઉપવાસી મોરચો ચાલુ જ રહેશે. તેમના આ આંદોલનને પર્યાવરણપ્રેમીઓ અને માલધારી સમાજનું મોટું સમર્થન મળી રહ્યું છે. હવે જોવું એ રહે છે કે, શું રાજ્ય સરકાર અને GPCBઆ મામલે મૌન તોડીને કોઈ સત્તાવાર પગલાં લે છે કે કેમ.

