Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ડેસર પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાના બાળકનો DNA રિપોર્ટ બન્યો મહત્વનો પુરાવો

ડેસર પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ, સગીરાના બાળકનો DNA રિપોર્ટ બન્યો મહત્વનો પુરાવો

Mantavya News 1 week ago

Vadodara News: ડેસરમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ જવા અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO Case) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 22 વર્ષીય આરોપી જયદીપ કેશવભાઈ જાદવને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસમાં DNA રિપોર્ટ સહિતના પુરાવાઓ આરોપીને દોષિત ઠેરવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

POCSO Case: ઢોર ચરાવવા જતી સગીરાનો આરોપી સાથે સંપર્ક

કેસની વિગતો મુજબ, આરોપી જયદીપ જાદવ મજૂરી કામ કરતો હતો. ગામની સીમમાં ઢોર ચરાવવા જતી 17 વર્ષની સગીરા સાથે તેનો સંપર્ક થયો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન સગીરાના માતા-પિતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવવાની વાત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સગીરાએ આરોપી જયદીપને જાણ કરી હતી. ત્યારબાદ 23 જાન્યુઆરી 2025ની મોડી રાત્રે આરોપી સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો.

POCSO Case: બાલાસિનોરથી અમદાવાદ અને ત્યારબાદ વલ્લભીપુર પહોંચ્યા

આરોપી અને સગીરા બાઇક પર બાલાસિનોર પહોંચ્યા બાદ અમદાવાદ ગયા હતા. ત્યારબાદ તેઓ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક એક ખેતરમાં આવેલી ઓરડીમાં રહેવા ગયા હતા. ફરિયાદ અને તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, બંને ત્યાં આશરે આઠ મહિના સુધી રોકાયા હતા અને ખેતમજૂરી કરતા હતા. આ સમયગાળા દરમિયાન પણ આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ હતો.

POCSO Case: સગીરા ગુમ થતાં પિતાએ પોલીસ ફરિયાદ કરી

સગીરા ઘરે પરત ન ફરતાં તેના પિતાએ 28 જાન્યુઆરી 2025ના રોજ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ડેસર પોલીસે તપાસ શરૂ કરી અને સગીરા તથા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બંનેને 13 સપ્ટેમ્બર 2025ના રોજ વલ્લભીપુરમાંથી શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપી જયદીપ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.

POCSO Case: સગીરા ગર્ભવતી હોવાની તપાસમાં સામે આવ્યું

પોલીસ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. આ કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), સુરત દ્વારા કરવામાં આવેલી DNA તપાસ મહત્વપૂર્ણ પુરાવો બની હતી. DNA પરીક્ષણમાં સગીરાના બાળક અને આરોપી વચ્ચે જૈવિક પિતા-પુત્રનો સંબંધ હોવાનું સાબિત થયું હતું. આ પુરાવાએ કેસની કાર્યવાહી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.

POCSO Case: અન્ય પુરાવાઓ પણ કોર્ટમાં રજૂ થયા

DNA રિપોર્ટ ઉપરાંત સયાજી હોસ્પિટલ, વડોદરાના ગાયનેકોલોજિસ્ટના નિવેદન સહિતના પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદાની જોગવાઈ મુજબ નોંધાયેલા સગીરાના નિવેદન સહિત અન્ય પુરાવાઓને પણ કેસમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યા હતા.

સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલોને ધ્યાને લીધા બાદ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO Case) આરોપી જયદીપ કેશવભાઈ જાદવને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરા સાથેના ગુનામાં DNA સહિતના વૈજ્ઞાનિક પુરાવા અને અન્ય સાક્ષીઓ-દસ્તાવેજો કેસના ચુકાદામાં નિર્ણાયક સાબિત થયા હતા.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati