Heavy Rain Alert India: દેશભરમાં ચોમાસું (Monsoon) હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતા અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનોનું સંકટ ઊભું થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું હાઈ અલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક કલાકો ઉત્તર અને પૂર્વ ભારત માટે અત્યંત સંવેદનશીલ રહેશે. અનેક વિસ્તારોમાં વીજળી પડવાની તેમજ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને માછીમારોને ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની આગાહી
દિલ્હી અને એનસીઆરમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને મહત્તમ તાપમાન આશરે 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ એલર્ટ
ઉત્તર પ્રદેશના લખનૌ, મથુરા, ઝાંસી, વારાણસી અને અયોધ્યા સહિતના જિલ્લાઓમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. બિહારના પટણા, મુઝફ્ફરપુર, ગયા અને પૂર્ણિયા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદ
ઉત્તરાખંડના નૈનીતાલ, હરિદ્વાર અને ઋષિકેશમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ અને તોફાની હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે કોંકણ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, છત્તીસગઢ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.
પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકના તટીય તેમજ આંતરિક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
દરિયામાં ફસાયેલા માછીમારોનો બચાવ
ખરાબ હવામાન દરમિયાન ઓડિશા કિનારા નજીક એન્જિન ખરાબ થઈ જતાં દરિયામાં ફસાયેલા આંધ્ર પ્રદેશના 20 માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તમામ માછીમારોને પારાદીપ બંદરે પહોંચાડવામાં આવ્યા હોવાનું રાજ્યના કૃષિ અને મત્સ્યપાલન મંત્રીએ જણાવ્યું છે.
આ ઉપરાંત વિશાખાપટ્ટનમ નજીક 1 જુલાઈથી ગુમ થયેલા સાત માછીમારોમાંથી એકને ભારતીય નૌસેનાના હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો છે. બાકીના છ માછીમારોની શોધખોળ માટે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
વરસાદથી મુંબઈ ઠપ્પ! વિવિધ સ્થળોએ પાણી ભરાયા
પહેલા જ વરસાદે ₹12,000 કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની પોલ ખોલી

