Mehsana Crime News: ટેકનોલોજીનો ઉપયોગ હવે ગુનાખોરીમાં પણ થવા લાગ્યો છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એવી તસ્કર ગેંગને ઝડપી પાડી છે, જે ગૂગલ મેપની મદદથી મંદિરો શોધી ત્યાં ચોરી કરતી હતી. પોલીસે રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ વિસ્તારોમાંથી ફિલ્મી સ્ટાઇલમાં કાર્યવાહી કરીને ગેંગના ત્રણ મુખ્ય સભ્યોને ઝડપી લીધા છે.
મૂર્તિ બનાવવાના કામથી મળતી માહિતીનો કરતા હતા દુરુપયોગ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રાજસ્થાનના પિંડવાડા વિસ્તારમાં રહેતા આ આરોપીઓ મૂળ મૂર્તિ બનાવવાનું કામ કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મંદિરોમાં મૂર્તિ બનાવવાની કામગીરી માટે આવતા હતા. આ દરમિયાન તેમણે મંદિરોની સુરક્ષા વ્યવસ્થા અને કિંમતી વસ્તુઓ અંગે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું.
Google Maps પર મંદિરના ફોટા જોઈ કરતા હતા રેકી
આ ગેંગના સભ્યો ગૂગલ મેપ પર નાના-મોટા મંદિરો શોધતા હતા. ત્યારબાદ મંદિરના ફોટા અને અન્ય વિગતોના આધારે મૂર્તિઓ પર રહેલા સોના-ચાંદીના આભૂષણોનો અંદાજ લગાવતા હતા. પછી મૂર્તિ બનાવવાની કે સમારકામ કરવાની વાત કરીને મંદિરની મુલાકાત લેતા અને તક મળતાં ચોરીને અંજામ આપતા હતા.
ચાર વર્ષમાં અનેક મંદિરોને બનાવ્યા નિશાન
વર્ષ 2022થી 2025 દરમિયાન આ ગેંગે મહેસાણા જિલ્લાના ઊંઝા, મોઢેરા, વિસનગર, ખેરાલુ, કડી, બેચરાજી અને ઉનાવા સહિતના વિસ્તારોમાં અનેક મંદિરોમાં ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ઓળખ છુપાવવા પોલીસે અપનાવી અનોખી રીત
LCBને બાતમી મળી હતી કે આરોપીઓ રાજસ્થાનના પિંડવાડાના પહાડી વિસ્તારમાં છુપાયેલા છે. જોકે, ત્યાં સીધી કાર્યવાહી કરવી મુશ્કેલ હતી. આરોપીઓને ઓળખવા માટે પોલીસે અલગ રીત અપનાવી હતી. જવાનો ક્યારેક વીમા એજન્ટ તો ક્યારેક સરકારી યોજનાઓના લાભ આપવાના બહાને ગામમાં જઈ માહિતી એકત્ર કરતા રહ્યા.
અઠવાડિયાની ગુપ્ત તપાસ બાદ આરોપીઓની ઓળખ થઈ અને પોલીસે તેમને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
હાઈવે પર વોચ ગોઠવી ત્રણ આરોપીઓ ઝડપાયા
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગેંગના કેટલાક સભ્યો ચોરીનો મુદ્દામાલ લઈને વેચાણ માટે ગુજરાત તરફ આવી રહ્યા છે. ત્યારબાદ મહેસાણા-ઊંઝા હાઈવે પર વોચ ગોઠવી પોલીસે પલારામ ગરાસિયા, લીંબારામ ગરાસિયા અને લાલારામ ગરાસિયાની ધરપકડ કરી હતી.
રાજસ્થાનથી રૂ.1.50 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ પિંડવાડા ખાતે પોતાના ઘરમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ LCBની ટીમે રાજસ્થાન પહોંચી રૂ.1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં પોલીસે પીપારામ ગરાસિયા, લાડુરામ ગરાસિયા અને સીનારામ ગરાસિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગે મહેસાણા ઉપરાંત ભરૂચ, સુરત, વલસાડ, પાટણ, અમદાવાદ અને ખેડા સહિતના જિલ્લાઓમાં પણ મંદિર ચોરીઓ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ હવે ગેંગના અન્ય સભ્યો અને અગાઉ કરેલી ચોરીઓ અંગે વધુ તપાસ કરી રહી છે.

