Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં એનાલોગ પનીર-ચીઝ-બટર પર પ્રતિબંધ, સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં એનાલોગ પનીર-ચીઝ-બટર પર પ્રતિબંધ, સરકારે લીધો મોટો નિર્ણય

Mantavya News 1 week ago

Gujarat News: ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોના આરોગ્ય અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે બિન-ધોરણીકૃત એનાલોગ પનીર (Analogue Paneer), એનાલોગ ચીઝ (Analogue Cheese)અને એનાલોગ બટરના (Analogue Butter) ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં (Gujarat Analogue Paneer Ban) આવ્યો છે.

આ નિર્ણય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે.

શું છે એનાલોગ પનીર?

એનાલોગ પનીર એવું ઉત્પાદન છે જે દેખાવમાં પનીર જેવું લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે દૂધમાંથી બનતું નથી. તેમાં દૂધની જગ્યાએ વનસ્પતિ તેલ, ફેટ અને અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જો આવા ઉત્પાદનોને સ્પષ્ટ ઓળખાણ વગર અસલી પનીર તરીકે વેચવામાં આવે, તો ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.

સરકારને કેમ લેવો પડ્યો નિર્ણય?

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનોનું પ્રમાણ વધ્યું હતું, જે પનીર જેવા દેખાતા હોવા છતાં દૂધના ધોરણો મુજબ તૈયાર કરવામાં આવતા નહોતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં કરાયેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન-ધોરણીકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારબાદ સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો.

ગ્રાહકો અને ડેરી ઉદ્યોગને મળશે રક્ષણ

ગુજરાત દેશના અગ્રણી ડેરી રાજ્યોમાંનું એક છે. લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધજન્ય ઉત્પાદનો બજારમાં પહોંચે છે. સરકારનું માનવું છે કે એનાલોગ ઉત્પાદનોને પનીર તરીકે વેચવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હતી અને અસલી ડેરી ઉત્પાદકોને પણ આર્થિક નુકસાન થતું હતું. આ પ્રતિબંધથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાશે અને ડેરી ઉદ્યોગને પણ સુરક્ષા મળશે.

નિયમોનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ, વેપારી અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર સપ્લાય ચેઇન પર નજર રાખવામાં આવશે.

વેપારીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટને સૂચના

આરોગ્ય વિભાગે તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને અપીલ કરી છે કે તેઓ માત્ર ધોરણો મુજબનું અસલી દૂધથી બનેલું પનીર અને અન્ય ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરે તેમજ કાયદાનું સંપૂર્ણ પાલન કરે.

હવે શું બદલાશે?

સરકારના આ નિર્ણય બાદ રાજ્યમાં બિન-ધોરણીકૃત (Food Safety) એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન કે વેચાણ કાયદેસર રહેશે નહીં. આગામી સમયમાં તપાસ અભિયાન વધુ સઘન બનવાની શક્યતા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati