Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હિમાચલમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: 90નાં મોત, પુલો તૂટ્યા, શાળા ધરાશાયી, 109 રસ્તા બંધ

હિમાચલમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: 90નાં મોત, પુલો તૂટ્યા, શાળા ધરાશાયી, 109 રસ્તા બંધ

Mantavya News 2 months ago

Himachal Rain News: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસી રહેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. વરસાદ સંબંધિત વિવિધ અકસ્માતો અને દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 90 લોકોનાં મોત થયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, અચાનક પૂર અને નદીઓમાં વધેલા જળસ્તરને કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.

કિન્નૌર અને મનાલીમાં અકસ્માતોમાં પાંચ યુવાનોએ જીવ ગુમાવ્યા

શનિવારે કિન્નૌર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 નજીક એક કાર સતલજ નદીમાં ખાબકતાં ત્રણ યુવાનોના મોત થયા હતા. એ જ દિવસે મનાલી નજીક એક વાહન 20 ફૂટ ઊંડી ખીણમાં પડતાં વધુ બે યુવાનોનાં મોત થયા હતા.

ભૂસ્ખલનથી શાળા ધરાશાયી, 500 સફરજનના વૃક્ષો નાશ પામ્યા

સોમવારે કુલ્લુ જિલ્લાના નિર્મંદ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે પંકવા પ્રાથમિક શાળાની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. નજીક આવેલી બીજી શાળા પણ જોખમમાં મુકાઈ છે. ઉપરાંત, આ વિસ્તારમાં અંદાજે 500 સફરજનના વૃક્ષો પણ નાશ પામ્યા છે.

1962માં બનેલો બાટા નદીનો પુલ ભારે પ્રવાહમાં તૂટી પડ્યો

સિરમૌર જિલ્લાના પાઓંટા સાહિબ સબડિવિઝનમાં બાટા નદી પર વર્ષ 1962માં બનેલો જૂનો પુલ ભારે વરસાદ અને નદીના પ્રચંડ પ્રવાહને કારણે તૂટી પડ્યો હતો. અગાઉથી નુકસાનના સંકેતોને ધ્યાનમાં રાખીને પુલ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ ટ્રાફિકને નવા પુલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

પુલ અને કલ્વર્ટ ધોવાઈ જતાં અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

કુલ્લુ જિલ્લાના બંજર વિસ્તારમાં ફલાચન નદી અને ઘલિંગચા નાળાના જોરદાર પ્રવાહથી એક પુલ તેમજ બે કામચલાઉ કલ્વર્ટ ધોવાઈ ગયા છે. જેના કારણે મશિયાર, કામેડા, માજલી અને થાણેગઢ સહિતના ગામોની અવરજવર ખોરવાઈ ગઈ છે.

શિમલા અને મંડીમાં ભૂસ્ખલનથી માર્ગ વ્યવહાર પ્રભાવિત

શિમલાના થિયોગ બાયપાસ પર ભૂસ્ખલનને કારણે પાર્ક કરેલી કાર પર કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. બીજી તરફ, પઠાણકોટ-મંડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંડી જિલ્લાના નારલા અને ભટોગ નજીક નવા બનેલા પુલનો અભિગમ તૂટી પડતાં વાહનવ્યવહાર બંધ કરી ટ્રાફિકને જૂના માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં 109 રસ્તા બંધ, 30 પાણી યોજનાઓ પ્રભાવિત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાઓંટા સાહિબમાં 75.8 મીમી, શ્રી નૈના દેવીજીમાં 68.2 મીમી અને ઉનામાં 57 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં હાલમાં 109 રસ્તા બંધ છે, જ્યારે 30 પીવાના પાણીની યોજનાઓ પણ પ્રભાવિત થઈ છે.

વહીવટી તંત્રે ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati