Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નવસારીમાં પૂર્ણા નદીએ બદલ્યો વહેણ, વિરાવળ પાસે નવો ફાંટો સર્જાતા ખેડૂતોમાં ચિંતા

નવસારીમાં પૂર્ણા નદીએ બદલ્યો વહેણ, વિરાવળ પાસે નવો ફાંટો સર્જાતા ખેડૂતોમાં ચિંતા

Mantavya News 1 week ago

Navsari News: નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના (Purna River) વહેણમાં અચાનક આવેલા મોટા ફેરફારને કારણે વિરાવળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વિરાવળ ગામ નજીક નદીએ નવો ફાંટો પકડતા કિનારાના વિસ્તારોમાં જમીન ધોવાણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય રક્ષણાત્મક કામગીરી નહીં થાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Purna River: ટાઈડલ વિયર ડેમ નજીક બદલાયો પાણીનો પ્રવાહ

વિરાવળ ગામ નજીક ખારા પાણીની ઘૂસણખોરી (Viraval Purna River) રોકવા અને સિંચાઈ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ટાઈડલ વિયર ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે. ડેમનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. જોકે, તાજેતરના ભારે વરસાદ બાદ પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ડેમની આડી દિવાલોની બાજુમાંથી પાણીનો જોરદાર પ્રવાહ પસાર થવા લાગ્યો છે. તેના કારણે નદીનો નવો માર્ગ બન્યો છે અને બે અલગ વહેણ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

હજારો હેક્ટર ફળદ્રુપ જમીન પર ધોવાણનો ખતરો

નદીના નવા વહેણને કારણે વિરાવળથી લઈને ધારાગીરી અને જલાલપોર વિસ્તાર સુધીની હજારો હેક્ટર ઉપજાઉ ખેતીની જમીન જોખમમાં આવી ગઈ છે. અનેક સ્થળોએ નદી કિનારે ધોવાણ શરૂ (Gujarat Flood) થઈ ગયું છે. રક્ષણાત્મક પાળા અથવા મજબૂત કિનારાકાંઠાના અભાવે નદીનું પાણી સીધું ખેતરો તરફ વળી રહ્યું છે, જેના કારણે વર્ષોથી તૈયાર થયેલી ફળદ્રુપ જમીન ધીમે ધીમે નદીમાં ધોવાઈ રહી છે.

ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો ધોવાણની ગતિ આવી જ રીતે ચાલુ રહેશે તો ખેતીલાયક જમીનને ભારે નુકસાન થઈ શકે છે. ઉપજાઉ જમીન ગુમાવવાનો અર્થ માત્ર હાલના પાકનું નુકસાન નહીં, પરંતુ આગામી વર્ષોમાં ખેતી પર પણ લાંબા ગાળાની અસર પડશે. ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

ચોમાસાના બાકી બે મહિના બની શકે છે પડકારરૂપ

હજુ ચોમાસાની સીઝનના મહત્વના બે મહિના બાકી હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ અથવા પૂર્ણા નદીમાં વધુ પાણીની આવક થશે તો ધોવાણનું પ્રમાણ અનેકગણું વધી શકે છે. આવી સ્થિતિમાં વધુ ખેતીની જમીન અને નદીકાંઠાના વિસ્તારો જોખમમાં મુકાઈ શકે છે.

તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

વિરાવળ અને આસપાસના વિસ્તારના ખેડૂતો તેમજ ગ્રામજનોએ સંબંધિત વિભાગોને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને રક્ષણાત્મક પાળા, કિનારા મજબૂત કરવાની કામગીરી અને અન્ય જરૂરી પગલાં હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિકોનું માનવું છે કે સમયસર કાર્યવાહી કરવામાં આવશે તો હજારો હેક્ટર જમીનને ધોવાણથી બચાવી શકાય છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati