NEET UG Case: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG પેપર લીક વિવાદ બાદ હવે પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ હલફનામું (સોગંદનામું) દાખલ કર્યું છે. NTA એ સર્વોચ્ચ અદાલતને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, NEET-UG વિવાદમાંથી પાઠ ભણીને એજન્સીએ પરીક્ષા પ્રણાલીને પારદર્શક અને ફૂલપ્રૂફ બનાવવા માટે મોટા પાયે આધુનિક સુરક્ષા સુધારા અમલમાં મૂક્યા છે.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં 'ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન' (FAIMA) અને 'યુનાઈટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ' (UDF) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં NTA દ્વારા આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ અરજીઓમાં NEET-UG ના આયોજનમાં થયેલી કથિત અનિયમિતતાઓને ટાંકીને પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થામાં વ્યાપક બદલાવ કરવાની માંગ કરવામાં આવી હતી.
NEET UG Case: NTA નો નવો સુરક્ષા પ્લાન
NTA એ કોર્ટને માહિતી આપતા જણાવ્યું છે કે, પરીક્ષાની પવિત્રતા જાળવી રાખવા માટે એક હાઈ લેવલ સ્ટીયરિંગ કમિટી (HPSC) ની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સમિતિ દ્વારા પરીક્ષા પૂર્વે, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછીના ત્રણ તબક્કાઓ માટે અત્યંત કડક સુરક્ષા પ્રોટોકોલની ભલામણ કરવામાં આવી છે, જેને એજન્સીએ સ્વીકારી લીધી છે.
પરીક્ષા કેન્દ્રો પર તૈનાત થશે કડક સુરક્ષા સિસ્ટમ
પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત લાઈવ CCTVમોનિટરિંગ કરવામાં આવશે અને આ ફૂટેજને પરિણામ આવ્યા બાદ પણ ઓછામાં ઓછા 90 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સાથે જ પરીક્ષા શરૂ થવાના બરાબર એક અઠવાડિયા પહેલા તમામ પરીક્ષા કેન્દ્રોનું વિગતવાર અને સઘન ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. વળી, કોઈપણ ટેકનિકલ ખામી નિવારવા માટે કેન્દ્રો પર મૉક ડ્રિલ આયોજિત થશે અને અવિરત પાવર બેકઅપ સિસ્ટમનું વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, અચાનક વાતાવરણ પલટાય તો તેની આકસ્મિક યોજના (Weather-based Emergency Plan) પણ તૈયાર રખાશે અને તમામ સેન્ટર્સ પર તાત્કાલિક ઈમરજન્સી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
CCTV નું ફોરેન્સિક એનાલિસિસ
NTAએ સોગંદનામામાં સૌથી મહત્વની વાત એ કહી છે કે, હવેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ કેન્દ્રોના CCTV ફૂટેજનું અદ્યતન ‘ફોરેન્સિક એનાલિસિસ’ (Forensic Analysis) કરવામાં આવશે. આ ડિજિટલ તપાસ એટલા માટે જરૂરી છે જેથી પરીક્ષા દરમિયાન લાઈવ મોનિટરિંગમાં જે ખામીઓ કે શંકાસ્પદ હિલચાલ તાત્કાલિક પકડી ન શકાઈ હોય, તેને પાછળથી પકડીને કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય. NTA એ દાવો કર્યો છે કે આ નવા સુધારાઓથી ભવિષ્યમાં પેપર લીક કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવાની સંભાવના નહિવત થઈ જશે.

