Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નેપાળમાં પૂરે લીધો 584 લોકોનો ભોગ, 2,482 લોકો ગુમ; ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ પણ લાપતા

નેપાળમાં પૂરે લીધો 584 લોકોનો ભોગ, 2,482 લોકો ગુમ; ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ પણ લાપતા

Mantavya News 2 weeks ago

Nepal Flood News: નેપાળ અને તિબેટમાં વિનાશક પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શુક્રવાર સાંજ સુધીમાં પૂરના કારણે ઓછામાં ઓછા 584 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,482 લોકો હજુ ગુમ હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચીન-નેપાળ સરહદ નજીક કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓનો બે દિવસ બાદ પણ કોઈ સંપર્ક થયો નથી.

નેપાળમાં 579નાં મોત, 1,924 લોકો ગુમ

મળતી માહિતી પ્રમાણે નેપાળમાં અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત થયા છે અને 1,924 લોકો ગુમ છે. જ્યારે તિબેટમાં પૂરના કારણે 5 લોકોનાં મોત થયા છે અને 558 લોકો હજુ લાપતા છે.

મળતી માહિતી મુજબ, અલગ-અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મૃતદેહો મળી રહ્યા છે. નવલપરાસી પૂર્વમાંથી 134, ચિતવનમાંથી 221, ગોરખામાંથી 46 અને નુવાકોટમાંથી 37 મૃતદેહ મળ્યા છે. આ ઉપરાંત ધાડિંગમાંથી 33, તનહુમાંથી 28, નવલપરાસી પશ્ચિમમાંથી 27 અને રાસુવામાંથી 12 મૃતદેહ મળી આવ્યા છે.

7,451 સુરક્ષા કર્મચારીઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં

આપત્તિના ત્રીજા દિવસે પણ નેપાળમાં શોધ અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 7,451 સુરક્ષા કર્મચારીઓને રેસ્ક્યૂ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 2,391 નેપાળી સૈન્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

જોકે, ખરાબ હવામાન અને સતત બદલાતી સ્થિતિને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. અસ્થિર અવરોધ તળાવ છલકાતા ભોટે કોશી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો, જેના કારણે બચાવ ટીમોને પણ પીછેહઠ કરવી પડી હતી.

નવા હિમપ્રપાતથી ફરી ખતરો

પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બનતા બીજા હિમપ્રપાતમાં અંદાજે 50 હજાર ઘન મીટર બરફ અને કાટમાળ નીચે ધસી આવ્યો હતો. સેટેલાઇટ તસવીરોમાં ઉપરવાસમાં વધુ એક મોટું તળાવ જોવા મળ્યું છે, જેના પાણીના નિકાલ માટે કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી. જેના કારણે આગામી સમયમાં ફરી પૂરની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ ક્યાં છે?

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી ચિંતા ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓને લઈને છે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ આ યાત્રાળુઓ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા.

પૂર આવ્યા બાદથી આ 77 સભ્યોનો સંપર્ક તૂટી ગયો છે. ઈશા ફાઉન્ડેશનના મા ગંભીરિએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી યાત્રાળુઓ અંગે કોઈ અપડેટ મળ્યું નથી. બચાવ ટીમો સ્થળ પર કામગીરી કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

તેમણે કહ્યું કે 77 પરિવારો પોતાના સ્વજનોની સલામતી અંગે જવાબની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે પરિવારજનો માટે આ અત્યંત મુશ્કેલ અને ભાવનાત્મક સમય છે.

19 દેશોના લોકો યાત્રા જૂથમાં સામેલ

ઈશા ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર ગુમ થયેલા યાત્રાળુઓમાં 19 દેશોના લોકો સામેલ છે. જેમાં અમેરિકાના 22, કેનેડાના 12, ઓસ્ટ્રેલિયાના 11 અને બ્રિટનના 9 યાત્રાળુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જર્મનીના 4, ફ્રાન્સ અને નેપાળના 3-3 તથા અન્ય દેશોના યાત્રાળુઓ પણ આ જૂથમાં સામેલ છે.

ફાઉન્ડેશને યાત્રાળુઓની શોધ અને મદદ માટે ભારત, ચીન અને નેપાળના દૂતાવાસો તથા સંબંધિત મંત્રાલયોનો સંપર્ક કર્યો છે.

સદગુરુ ગૈરોંગ જવા માગતા હતા

ઈશા ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે સદગુરુ પોતે આપત્તિના કેન્દ્ર ગણાતા ગૈરોંગજઈને પરિસ્થિતિની જાણકારી મેળવવા અને મદદ કરવા માગતા હતા. જોકે, તેમને જરૂરી પરવાનગી મળી ન હોવાનું જણાવાયું છે.

હાલમાં નેપાળમાં રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે, પરંતુ ગુમ થયેલા હજારો લોકો અને ખાસ કરીને ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ અંગે કોઈ ચોક્કસ માહિતી ન મળતા ચિંતા સતત વધી રહી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati