Gandhinagar News:લગ્નજીવનના વિવાદને અંત આપવા માટે પત્નીનું કથિત બોગસ મરણ સર્ટિફિકેટ બનાવી સરકારી દસ્તાવેજોમાં તેનો ઉપયોગ કરવાના ગંભીર આરોપો ધરાવતા એક ચર્ચિત કેસમાં ગાંધીનગર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
Fake Death Certificate કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદના ચર્ચિત દસ્તાવેજ કૌભાંડના એક કેસમાં ગાંધીનગર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીનું કથિત બોગસ મરણ સર્ટિફિકેટ બનાવી સરકારી દસ્તાવેજોમાં તેનો ઉપયોગ કરવાના કેસમાં આરોપી પતિ જયમનદીપસિંહ આહલુવાલિયાને કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
મીડિયા અહેવાલો મુજબ, રાજશ્રીબેન કેસરી અને જયમનદીપસિંહ આહલુવાલિયાના વર્ષ 2003માં લંડનના એક ગુરુદ્વારામાં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક સંતાન પણ થયું હતું. જોકે લગ્નના થોડા સમય બાદ પતિ અને તેના પરિવાર તરફથી હેરાનગતિ શરૂ થતાં રાજશ્રીબેન અમદાવાદના ચાંદખેડા ખાતે પોતાના પિતાના ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2009માં રાજશ્રીબેને દહેજ સહિતની વિવિધ કલમો હેઠળ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પત્ની હયાત હોવા છતાં બનાવ્યું નકલી મરણ સર્ટિફિકેટ
આરોપ છે કે જયમનદીપસિંહ આહલુવાલિયાએ પોતાની પત્ની સાથેનો સંબંધ સમાપ્ત થયો હોવાનું દર્શાવવા માટે રાજશ્રીબેનનું નકલી મરણ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું. આ કથિત બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને પાસપોર્ટમાંથી પત્ની તરીકેનું નામ પણ દૂર કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદ મુજબ, આરોપીએ બોગસ મરણ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું. એટલું જ નહીં, કાયદેસર રીતે લગ્નવિચ્છેદ થયા વગર બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
કોર્ટે ફટકારી 3 વર્ષની સજા
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આરોપીએ સરકારી દસ્તાવેજોમાં ખોટા પુરાવાનો ઉપયોગ કરીને ગંભીર ગુનો કર્યો છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.
આ ચુકાદાને દસ્તાવેજી છેતરપિંડી અને ખોટા સરકારી પ્રમાણપત્રોના ઉપયોગ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભાજપ કોર્પોરેટરના પતિનો યુવક સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ, હિસાબની બાબત હોવાનું નિવેદન

