Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યમાં મેઘ મહેર યથાવત, નદી-ડેમ છલકાયા

રાજ્યમાં મેઘ મહેર યથાવત, નદી-ડેમ છલકાયા

Mantavya News 2 weeks ago

Gujarat News: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 34 જિલ્લાના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદના કારણે રાજ્યના નદી-ડેમમાં છલકાયા | Rivers and Dams Across the State Overflow

ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર (Sardar Sarovar Dam)ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદને કારણે હાલ ડેમમાં 50,616 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધીને 126.64 મીટર સુધી પહોંચી છે અને છેલ્લા 24 કલાકમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના આશરે 65 ટકા સુધી ભરાયો છે, જ્યારે કેનાલમાં 7,435 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 40.01 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 11 ડેમ હાઇ એલર્ટ, 04 ડેમ એલર્ટ અને 07 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક વધતા વહેલી સવારે 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 9,440 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને પાણીનો નિયંત્રિત આઉટફ્લો શરૂ કરવામાં આવ્યો છે.

મધુબન ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે મધુબન ડેમ (Madhuban Dam)ના ઉપરવાસમાંથી 68 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સીઝનમાં પ્રથમ વખત ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યાં છે. અને ડેમમાંથી 32 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.

કાળુભાર નદીમાં સીઝનના પ્રથમ વરસાદ બાદ નવા નીર

બીજી તરફ બોટાદ જિલ્લાના પાટણા ગામ નજીક કાળુભાર નદીમાં પણ સીઝનના પ્રથમ વરસાદ બાદ નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તંત્રે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati