Dailyhunt
રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

Mantavya News 7 months ago

મેડિકલ કોલેજ ચલાવવા માટે મંજૂરીઓ મેળવવી અને પછી તેને ચલાવવાના નિયમોનું પાલન કરવું બે જુદી-જુદી બાબત છે તે રાજ્યની ત્રણ મેડિકલ કોલેજોને સમજાઈ ગયું લાગે છે. નેશનલ મેડિકલ કમિશને (NMC)એ દેશની બધી કોલેજોમાં રીતસરનું 'ઓપરેશન' આદર્યું છે. તેના ભાગરૂપે તેણે દેશભરમાં નિયમોનું અને માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ મેડિકલ કોલેજોની કુલ 6,900 બેઠક રદ કરી સનસનાટી મચાવી દીધી છે.

NMCની આ કવાયતમાં ગુજરાતની ત્રણ મેડિકલ કોલેજો પણ હડફેટે આવી ગઈ છે. NMCએ રાજ્યની ત્રણ મેડિકલ કોલેજની 250 બેઠકો ઘટાડી દીધી છે.

તેમા પણ કલોલની સ્વામિનારાયણ કોલેજ મેડિકલ કોલેજની બેઠક તો શૂન્ય કરી દેવાઈ છે. આ કોલેજને કમિશને તેની અનિયમિતતાઓ અંગે વારંવાર જણાવ્યું હતું અને નિયમો મુજબ કામ કરવા જણાવ્યું હતું. આમ છતાં કોલેજ તેનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેના પછી છેવટે નેશનલ મેડિકલ કમિશને તેની સામે આકરાં પગલાં લેવાની ફરજ પડી હતી. સ્વામિનારયણ કોલેજની બેઠક શૂન્ય કરી દેવામાં આવતા તે આ વર્ષે નવા એડમિશન જ લઈ નહીં શકે.

કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજને NMCએ વારંવાર જણાવવા છતાં, ચેતવણી આપવા છતાં પણ તેણે કોઈ વાત કાને ધરી ન હતી. કલોલની આ કોલેજમાં ગેરરીતિ અને અનિયમિતતા ઉડીને આંખે વળગે તેવી જણાઈ આવી હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્ય સરકાર જો મેડિકલ કોલેજ શરૂ કરવી હોય તો અનેક પ્રકારની સહાય કરે છે. કોઈપણ ટ્રસ્ટ કે વ્યક્તિ ખાનગી મેડિકલ કોલેજ શરૂ કરવા માંગતો હોય તો રાજ્ય સરકાર તેને કરોડો રૂપિયાના સ્વરૂપમાં મદદ પૂરી પાડે છે. તેમા બ્રાઉનફિલ્ડમાં કોલેજ શરૂ કરવામાં આવે તો 75 કરોડ રૂપિયા અને ગ્રીનફિલ્ડમાં શરૂ કરાય તો 45 કરોડ રૂપિયાની જંગી નાણાકીય સહાય રાજ્ય સરકાર કરે છે.

આ જ રીતે કલોલની સ્વામિનારાયણ કોલેજ ગ્રીનફિલ્ડમાં શરૂ કરવામાં આવી હોવાથી રાજ્ય સરકારે તેને 45 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પણ કરી હતી. સરકાર આટલી જંગી ગ્રાન્ટ આપતી હોવા છતાં પણ મેડિકલ કોલેજો વિદ્યાર્થીઓને જરૂરી સગવડો પૂરી પાડતી નથી. NMCના માપદંડ પર ખરી ઉતરતી નથી. કેટલીય કોલેજોએ તો તેમની ફેકલ્ટી જ પૂરતા પ્રમાણમાં રાખી નથી. આ કોલેજોના ટ્રસ્ટીઓને મેડિકલ જેવા સેક્ટરમાં ભણી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાંનો ખ્યાલ આવતો નથી. આ અંગે મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા નિષ્ણાતો સ્પષ્ટપણે માને છે કે આ પ્રકારની કોલેજો શરૂ કરનારાઓએ તેને ફક્ત ઉઘરાણીનો કારોબાર બનાવી દીધો છે. તેઓને વિદ્યાર્થીના શિક્ષણની પડી નથી. તેમને બસ તેમાથી ફક્ત રૂપિયા કમાઈ લેવા છે. તેના કારણે તે શિક્ષણની ગુણવત્તા પર અને બીજા ધારાધોરણોના પાલન પર ખાસ ધ્યાન આપતી નથી. બસ હોતા હૈ, ચલતા હૈના અભિગમથી કામ ચલાવે છે. મેડિકલનો વિદ્યાર્થી તેમના માટે ફક્ત વિદ્યાર્થી નથી, પરંતુ જાણે એક ગ્રાહક છે, જેને લૂંટાય તેટલો લૂંટો. તેની પાસેથી વિવિધ રસ્તે વસૂલાય તેટલી રકમ વસૂલો.

NMCની તપાસમાં સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે આ મેડિકલ કોલેજોમાં પૂરતા પ્રમાણમાં પ્રોફેસરો જ નથી. તેમા માળખાકીય સગવડોનો અભાવ છે, તેઓ ધરાર ખોટી વિગતો બતાવે છે. આ ઉપરાંત તેની હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા અપૂરતી હતી. આના પગલે NMCએ તેમની સામે દંડનીય કાર્યવાહી કરી છે.

સ્વામિનારાયણ કોલેજની બેઠક શૂન્ય કરી દેવાઈ તો અમરેલીની મેડિકલ કોલેજની બેઠક 200થી ઘટાડી 150 કરી દેવાઈ. જ્યારે સુરતની ડો. કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની કુલ 200 બેઠકમાંથી 50 બેઠક કાપી દેવાતા 150 બેઠક થઈ છે. આના પગલે કુલ 250 બેઠક કપાતા ગુજરાતને આટલા ડોક્ટર ઓછા મળશે તે હકીકત છે. આનું પરિણામ ગુજરાતની તબીબી સેવાઓ અને ગુજરાતના દર્દીઓએ ભોગવવું પડશે. તેના કારણે રાજ્યના ઘણા અંતરિયાળ વિસ્તારોને તબીબી સહાયથી વંચિત રહેવાની ફરજ પડશે.

રાજ્યની મેડિકલ કોલેજોની આ પ્રકારની વિપરીત કામગીરીના કારણે મેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓને નુકસાન વેઠવાનો દિવસ આવ્યો છે. આના કારણે આજે ગુજરાતના ઘણા વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશવિહોણા રહી જશે અને આ જવાબદારી આ મેડિકલ કોલેજોના શિરે રહેશે. તંત્રની આટલી મદદ છતાં પણ મેડિકલ કોલેજો કેમ NMCના માપદંડો પર ખરી ઉતરતી નથી તે ખરેખર તપાસનો વિષય છે. વારંવાર આપવામાં આવતી સૂચનાઓ અને અનિયમિતતા તથા ગેરરીતિઓ અંગે દોરવામાં આવતા ધ્યાન છતાં કોલેજના ટ્રસ્ટીઓ કઈ નિંદ્રામાં ગરકાવ થઈ જાય છે, તેમને ખબર નથી કે જો નિયમોનું પાલન નહીં થાય તો તેમની સામે કાર્યવાહી થશે અને તેઓ જે સીટો થકી કમાણી કરી રહ્યા છે તે જ સીટો કપાશે. તેઓ કઈ દુનિયામાં જીવે છે. શું તેમને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાનો છૂટો દોર મળી ગયો છે.

આ મેડિકલ કોલેજોના ટ્રસ્ટીઓને આ રીતે બેફામ બનવાનો અધિકાર કોણે આપ્યો. શું તેમના માટે મેડિકલ કોલેજ ફક્ત રૂપિયા રળી આપતી કંપની છે. તેઓ પોતે કેમ જવાબદારીપૂર્વકનો અભિગમ અપનાવતા નથી, છેક સીટો શૂન્ય થઈ જાય અને તેમા કાપ મૂકવામાં આવે તેટલી હદ સુધી નિયમોની અવગણના કેમ કરી શકે. છેવટે નિયામકમંડળ ધોકો પછાડે પછી જ જાગવું શું તેઓ નિયમ તેમના માટે બની ગયો છે. આ ફટકારવામાં આવેલા દંડથી હાલમાં તો બચી ગયેલી બીજી કોલેજોએ પણ ચેતવી જવાનો સમય આવી ગયો છે. જો નિયમોનું પાલન નહીં કર્યુ અને આ રીતે અનિયમિતતા આચરતા રહ્યા તો તેમની સ્થિતિ પણ કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજથી થઈ શકે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati