ઘણીવાર આપણે સવારે ઉઠીએ ત્યારે ચહેરો ફૂલેલો દેખાય અથવા આખો દિવસ કામ કર્યા પછી પગ અને ઘૂંટીઓમાં સોજો આવી જાય, તો આપણે તેને સામાન્ય થાક ગણીને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ તબીબી નિષ્ણાંતોના મતે, જો શરીર (body) માં વારંવાર અથવા લાંબા સમય સુધી સોજો (Edema) રહેતો હોય, તો તે કોઈ સામાન્ય બાબત નથી. આ સંકેત છે કે શરીરની અંદર કોઈ મોટી ઓર્ગન સિસ્ટમમાં ગરબડ ચાલી રહી છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે વહેલા નિદાનથી ઘણી મોટી આડઅસરોથી બચી શકાય છે. આવો જાણીએ કઈ ગંભીર બીમારીઓમાં શરીર સોજા દ્વારા આપણને એલર્ટ કરે છે.
આ પાંચ બીમારીઓ હોઈ શકે છે સોજાનું મુખ્ય કારણ
હાર્ટ ફેલ્યોર (હૃદયની નબળાઈ): જ્યારે હૃદય આખા શરીરમાં યોગ્ય રીતે બ્લડ પમ્પ નથી કરી શકતું, ત્યારે લોહી પાછું નસોમાં જમા થવા લાગે છે. આ સ્થિતિમાં ગુરુત્વાકર્ષણને કારણે પગ, ઘૂંટીઓ અને પંજામાં પ્રવાહી (Fluid) ભરાઈ જાય છે અને સોજો આવે છે.
કિડનીની કાર્યક્ષમતા ઘટવી: કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી વધારાનું પાણી અને સોડિયમ ફિલ્ટર કરવાનું છે. જો કિડની નબળી પડે, તો આ કચરો બહાર નીકળવાને બદલે હાથ, પગ અને આંખોની આસપાસ સોજા સ્વરૂપે દેખાવા લાગે છે.
લિવર સિરોસિસ: લિવર ગંભીર રીતે ડેમેજ થવાને કારણે શરીરમાં પ્રોટીનનું ઉત્પાદન ઘટી જાય છે, જેનાથી નસોમાંથી પ્રવાહી લીક થઈને પેટ (Ascites) અને પગના ભાગમાં જમા થવા લાગે છે.
ડીપ વેઇન થ્રોમ્બોસિસ (DVT): જો કોઈ એક જ પગમાંઅચાનક તીવ્ર સોજો આવે, ત્વચા લાલ થઈ જાય અને ગરમ લાગે, તો તે નસમાં લોહી ગંઠાઈ જવાનો (Blood Clot) સંકેત હોઈ શકે છે, જે કટોકટીની સ્થિતિ છે.
ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી: આ સ્થિતિમાં પગની નસો નબળી પડી જાય છે અને લોહીને પાછું હૃદય સુધી પહોંચાડી શકતી નથી, જેના કારણે પગમાં ભારેપણું અને કાયમી સોજો રહે છે.
ડોક્ટર પાસે ક્યારે જવું? આ લક્ષણો છે રેડ સિગ્નલ
જો સોજાની સાથે નીચેના લક્ષણો દેખાય, તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક ઈમરજન્સી મેડિકલ હેલ્પ લેવી જોઈએ:
1.સોજાની સાથે શ્વાસ લેવામાં ભારે તકલીફ થવી અથવા છાતીમાં દુખાવો થવો.
2.માત્ર એક જ પગમાં અચાનક સોજો આવી જવો અને અસહ્ય દુખાવો થવો.
3.કોઇ સ્પષ્ટ કારણ વિના અચાનક વજન વધી જવું (જે શરીરમાં પાણી ભરાવાને લીધે હોય છે).
4સોજાવાળી જગ્યાની ત્વચા ખેંચાવા લાગે અથવા ત્યાં ખાડો પડી જાય (Pitting Edema).
બચાવ માટે દૈનિક જીવનમાં કરો આ 4 ફેકફાર
નિષ્ણાંતોની સલાહ: રોજિંદી આદતોમાં થોડો સુધારો કરીને સોજાની સમસ્યામાં મોટી રાહત મેળવી શકાય છે.
સોડિયમ પર કંટ્રોલ: આહારમાં ઉપરથી મીઠું નાખવાનું બંધ કરો.પ્રેસેસ્ડ અને જંક ફૂડ ખાવાનું ટાળો કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે.
પૂરતું પીણી પીવો: શરીર હાઇડ્રેટેડ રહેશે તો તે પ્રવાહીને રોકી રાખવાને બદલે કુદરતી રીતે બહાર નિકાલ કરશે.
એક્ટિવ રહો: કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું કે ઊભા રહેવાનું ટાળો.દર કલાકે થોડું ચાલો અને નિયમિત હળવી કસરત કરો.
પગ ઊંચા રાખો: રાત્રે સૂતી વખતે અથવા આરામ કરતી વખતે પગની નીચે એક કે બે તકિયા રાખો,જેથી લોહીનું ભ્રમણ હૃદય તરફ બરાબર થાય.

