Monday, 25 Jan, 9.02 am Mantavya News

ગુજરાત
શાસક પક્ષ ભાજપનું પ્રચાર માળખું તૈયાર, AAP અને AIMIM આપી શકે છે મોટો પડકાર

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – કચ્છ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. કચ્છમાં પણ પાટનગર ભુજ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે. આમ તો વર્ષોથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતે છે, આ વખતે ચૂંટણીમાં ચતુષકોણીય જંગ ખેલાય તેવી વકી સેવાઇ છે, ભુજ નગરપાલિકામાં 11 વોર્ડ છે જેમાં 44 નગરસેવકો છે શહેરની અંદાજીત વસ્તી ત્રણ લાખ છે નગરપાલિકાની ચૂંટણીમાં ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એવી માંગ બુલંદ છે. જેથી ચૂંટણી લડતા ઉમેદવારો માટે આ મુદ્દો કપરા ચઢાણ ચઢાવસે જેમાં બેમત નથી.

જિલ્લા મથક ભુજની સુધરાઇ ચૂંટણી માટે વિવિધ પક્ષ પ્રચાર માટે સક્રિય બની ગયા છે. અંદરખાનેથી ઉમેદવારો માટે શોધખોળ અને ચર્ચા પણ શરૂ થઇ છે. એક તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રિલોકેશન સાઇટના થોકબંધ પ્રશ્ને લોકોની રૂબરૂ રજૂઆત સાંભળીને મતદારોની લાગણી જીતવાના પ્રયાસ આદર્યા છે. આ વખતે ભાજપ સામે જબ્બર પડકાર સર્જવા માટે આમ આદમી પાર્ટી (આપ)એ પણ કમર કસી છે.છેલ્લા કેટલાક સમયથી આપ દ્વારા વિવિધ લોકપ્રશ્ને દેખાવો શરૂ કરાયા છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ પગપેસારો કરવા એડી-ચોટીનું જોર લગાવશે. દરમ્યાન આ ચૂંટણીમાં એક મહત્ત્વનું પરિમાણ એ છે કે, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-એત્તિહાદુલ મુસ્લીમીન (એઆઇએમઆઇએમ) પક્ષ કે જે અસદુદ્દીન ઓવૈસીના પક્ષ તરીકે ઓળખાય છે તે પણ કચ્છમાં ઝુકાવે તેવા નિર્દેશ સાંપડયા છે. ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીને પક્ષના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો મળતાં તેમણે ભુજ સહિત ચારે સુધરાઇ અને પંચાયતમાં પોતાના ઉમેદવારોને ગોઠવવા દોડ શરૂ કરી છે.

રાજકીય પક્ષોની,સાથોસાથ બુદ્ધિજીવી નાગરિકોની સમિતિ પણ છેલ્લા કેટલાક વર્ષના વહીવટી કડવા અનુભવને લઇને ઉમેદવારી કરે તેવા સંકેત મળી રહ્યા છે. શાસક પક્ષ ભાજપનું પ્રચાર માળખું તૈયાર છે, ટિકિટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઇ ગયું છે. મોવડીઓ અવઢવમાં છે કે, જૂના અને સિનિયરોને તક આપવી કે ગયા વખતની જેમ તદ્દન નવા-જૂના ચહેરાઓને સંયુકત રીતે ઉતારવા. આ બધા વચ્ચે એક બાબત નક્કી જ છે કે જંગ રસાકસીભર્યો બની રહેશે. અલબત્ત ભુજ સુધરાઇની આગામી ચૂંટણીને અનુલક્ષી પ્રતિસ્પર્ધીઓથી એક કદમ આગળ હોય તેમ ભાજપના કાર્યકર્તાઓની ફોજે પેજ કમિટી બનાવવા સાથે લોકસંપર્કનું કાર્ય લગભગ 60 ટકા ઉપર પૂર્ણ કરી લીધું છે રસાકસી ભર્યા જંગ વચ્ચે ચૂંટણીના પરિણામોમાં બદલાવ આવશે એમાં બેમત નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ -

દેશ - દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top