Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં AAPનો અનોખો વિરોધ! મેયરના ઘર બહાર હોટફિક્સનો કચરો ઠાલવ્યો, પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ

સુરતમાં AAPનો અનોખો વિરોધ! મેયરના ઘર બહાર હોટફિક્સનો કચરો ઠાલવ્યો, પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ

Mantavya News 2 weeks ago

Surat News: સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 'આપ'ના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ (Surat AAP Protest) નોંધાવ્યો છે. 'આપ'ના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટફિક્સનો કચરો ઠાલવી વિરોધ કર્યો હતો. સાથે જ પાલિકા પાસે હોટફિક્સ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મેયરના ઘર બહાર કચરો ઠાલવી વિરોધ

રચના હીરપરાના સસ્પેન્શનના(Rachna Hirpara Suspension) વિરોધમાં 'આપ'ના કાર્યકરો મેયરના ઘર બહાર પહોંચ્યા હતા. અહીં હોટફિક્સનો કચરો ઠાલવી પાલિકાની (Surat Hotfix Waste) કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 'આપ'નો આક્ષેપ છે કે શહેરમાં અનેક સ્થળોએ હોટફિક્સ કચરાના ઢગલા વધી રહ્યા છે, છતાં તેના એકત્રીકરણ અને કાયમી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.

Surat AAP Protest: સેમી-ઔદ્યોગિક એકમોના કચરાનો મુદ્દો

'આપ'ના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરતમાં સેમી-ઔદ્યોગિક એકમો અને હોટફિક્સના કારખાનાઓમાંથી નીકળતા કચરાના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો રસ્તાઓ અને જાહેર સ્થળોએ કચરો ઠાલવી રહ્યા છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

'માત્ર મેયરની સોસાયટી સાફ રાખવાથી સુરત સ્વચ્છ નહીં થાય'

ધર્મેશ ભંડેરીએ મેયરના વોર્ડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે માત્ર મેયરની સોસાયટી આસપાસની ગલીઓ સાફ રાખવાથી આખું સુરત સ્વચ્છ થઈ જતું નથી. જવાબદાર અધિકારીઓએ કચેરી અને વાહનમાંથી (Surat Municipal Corporation) બહાર આવી શહેરના વાસ્તવિક વિસ્તારોની સ્થિતિ જોવી જોઈએ.

10 દિવસનું અલ્ટિમેટમ, ઉગ્ર વિરોધની ચીમકી

કોર્પોરેટર રચના હીરપરાએ આક્ષેપ કર્યો કે સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ રજૂ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે હોટફિક્સ કચરાની સમસ્યાનો 10 દિવસમાં ઉકેલ લાવવા પાલિકાનેમાગ કરી છે. જો ઉકેલ નહીં આવે તો આરોગ્ય મંત્રીના ઘર અને ઓફિસ બહાર પણ હોટફિક્સ કચરો ઠાલવી વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

કાયમી નિકાલની વ્યવસ્થાની માગ

'આપ' દ્વારા સુરત શહેરને હોટફિક્સ કચરાના ઢગલામાંથી બહાર લાવવા માટે કચરાના એકત્રીકરણ અને કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માગ કરવામાં આવી છે. મેયરના ઘર બહાર થયેલા આ વિરોધને પગલે સુરતના રાજકારણમાં કચરાનો મુદ્દો વધુ ગરમાયો છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati