Friday, 26 Feb, 3.23 pm Mantavya News

ગુજરાત
તાંત્રીક વીધી દ્વારા 'એક ના ડબલ' કરવાની લાલચ આપી સાડા પાંચ લાખનું ફુલેકું

  • બોડેલી નજીક ગોદધ ગામ પાસે સ્ટીલ ના ડબ્બામાં પૈસા મૂકી એકના ડબલ કરી આપવાનો લોલિપોપ આપી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી
  • પેટ્રોલીંગ માટે નીકળેલી પોલીસ આવી જતા મામલાનો પર્દાફાશ તાંત્રિક બનીને આવેલ બાપુ અને તેનો સાથી રૂપિયા સાડા પાંચ લાખ લઈ ફરાર : એક ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ગોદધ ગામ પાસે સ્ટીલ ના ડબ્બામાં પૈસા મૂકી એકના ડબલ કરી આપવાનો લોલિપોપ આપી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી તે દરમિયાન પેટ્રોલીંગ માટે નીકળેલી પોલીસ આવી જતા તાંત્રિક બનીને આવેલ બાપુ તેમજ છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામનાં શંકરભાઈ નામના આ બંને ગઠિયાઓ રૂપિયા સાડા પાંચ લાખ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે મુંબઇ થી આવેલો આ ટીમનો સાથી અબ્દુલ શેખ ઝડપાઇ ગયો અને મુંબઈથી ડ્રાઈવર તરીકે લઈને આવેલ પ્રકાશ માણેને પણ પોલીસ મથકે લાવી સમગ્ર છેતરપિંડીનાં બનાવની તપાસ બોડેલી પોલીસે ભોગ બનનાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામના જયદીપસિંહ મનુભાઈ પરમાર ની ફરિયાદ નોંધી ફરાર થઈ ગયેલા બે ગઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

એક ના ડબલ કરવાની લાલચમા સાડા પાંચ લાખ ની છેતરપિંડી કરવાના બનાવ માં બોડેલીનાં ચલામલી પાસેના ગોડધ ગામની સીમમાં મંદિર માં બાપુ બનીને આવેલા ગઠિયા દ્વારા ચાલતી તાંત્રિક વિધિ દરમિયાન ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો

આમ તો છોટાઉદેપુર જીલ્લામાં એક ના ડબલ, ત્રિપલ કરવાની લોભ લાલચ આપી છેતરપિંડી આચરવાના બનાવો અગાઉ પણ બનવા પામ્યા છે પરંતુ આ વખતે અમદાવાદ જીલ્લામાંથી બોડેલી નજીક આવી તાંત્રિક વિધિ કરવાના બનાવમાં રૂપિયા સાડા પાંચ લાખ નું ફુલેકું ફેરવી ગઠિયાઓ ફરાર થઈ ગયા નો બનાવ બનતા પંથક માં ચકચાર મચી જવા પામી છે

સમગ્ર બનાવની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં જયદીપસિહ મનુભાઈ પરમાર તેનાં જ ગામમાં રહેતા કુટુંબી ભાઈ ધનરાજ સિહ સંતરામસિંહ પરમાર તેઓને મળી એક તાંત્રિક વિધિના જાણકાર બાપુ છે જે રૂપિયા ડબલ કરી આપે છે અને અમે કરાવવાના છીએ તારે રૂપિયા ડબલ કરાવવા હોય તો કહેજો જેથી જયદીપસિંહે હા પાડેલ અને રૂપિયા અઢી લાખ લઈ ડભોઈ ખાતે મળવા જવાનું હોવાથી તારીખ ૧૮ ફેબ્રુઆરીનાં રોજ સવારના સમયે જયદીપસિંહ અને ધનરાજસિંહ બાવળા થી મિત્ર સાહિલ ની ફોર વ્હીલ ગાડી લઈ ડભોઈ આવવા નીકળ્યા હતા ત્યારે ધનરાજ સિહે વડોદરા થી મનિષભાઈ ને પણ સાથે લેવાના છે અને વડોદરા થી મનિષ ને બેસાડી ડભોઈ આવવા નીકળ્યા હતા ત્યારે મનીષે મુંબઈથી અબ્દુલ ભાઈ આવે છે તે જ આપણને બાપુ પાસે લઈ જશે તેમ કહેતા બધા ડભોઈ ચાર રસ્તા પર ઊભા રહેલા અને તાંત્રિક વિધિ માટે બાપુ ને આપવા રૂપિયા અઢી લાખ ભેગા કરેલા જેમાં મનીષ ભાઈ ના એક લાખ પાંચ હજાર, સાહિલભાઈ ના એક લાખ દસ હજાર, અને ધનરાજસિહ ના પચ્ચીસ હજાર અને જયદીપસિંહ ના એમ કરીને કુલ અઢી લાખ રૂપિયા ભેગા કરી મુંબઈ થી આવેલા અબ્દુલ અને તેના સાથે આવેલા જેને તેઓ શંકર નાં નામે બોલાવતા હતા તેઓ બધાને ડભોઇ થી ચૂડેશ્વર ગામે તાંત્રિક વિધિવાળા બાપુના આશ્રમે લઈ ગયેલા અને તમારા રૂપિયા પાક્કુ ડબલ થઈ જશે તેમ બાપુએ જણાવી આ લોકો પાસે જ તાંત્રિક વિધિ માટેનો સામાન મંગાવી એક સ્ટીલનાં ડબ્બામાં અઢી લાખ રૂપિયા મૂકાવી તાંત્રિક વિધિ ચાલુ કરી હતી.

જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી બાદ માં આ સ્ટીલનો ડબ્બો જયદીપસિંહ અને મનીષ સહિતના ને આપ્યો હતો અને કહ્યું કે તમે અત્યારે નીકળો હું તમને ફોન કરીશ જેથી તેઓ ત્યાંથી નીકળી ડભોઈ ખાતે રોકાયેલા બાદમાં બાપુ ને ફોન કર્યો ત્યારે તેઓએ ડબ્બો હમણાં ખોલવાનો નથી અત્યારે મને આદેશ મળતો નથી ત્રણ દિવસ પછી ખોલવાનો છે એમ કહીને બાપુએ જણાવ્યુ કે હવે આ ડબ્બો અગિયાર દિવસે ખોલવાનો છે અગિયાર દિવસ પછી રૂપિયા ડબલ થશે અને જો તાત્કાલિક કરવા હોય તો બીજા ત્રણ લાખનું સેટિંગ કરવાનું છે જેથી તારીખ ૨૨મી નાં રોજ બધા મળી બીજા ત્રણ લાખ ભેગા કરી તાંત્રિક વિધિ કરવા બાપુ ને આપ્યા હતા અને બધાને બોડેલી આવવા જણાવ્યુ હતું.

ત્રણ દિવસ સુધી બધાને ગોળ ગોળ ફેરવ્યા બાદ ફરી આ બધાજ બોડેલી ભેગા થયા હતા અને ત્યાંથી ચલામલી નજીક ગોરજ ગામની સીમમાં આવેલ એક મંદિરે ગયેલા ત્યાં બાપુએ તાંત્રિક વિધિ ચાલુ કરી હતી એટલામાં જ પોલીસ ની ગાડી ત્યાં આવી પહોંચતા તાંત્રિક વિધિ કરનાર બાપુ અને શંકર ત્રણ લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા જ્યારે જે સ્ટીલની પેટીમાં અગાઉ આપેલા રૂપિયા અઢી લાખ મૂક્યા હતા તે પેટી ખોલીને જોતાં તેમાંથી માત્ર એક શ્રીફળ નિકળ્યું હતું અને અઢી લાખ રૂપિયા પણ ગાયબ થઈ ગયા હતા .

આ સમગ્ર બનાવ અંગે ભાજપના ભોગ બનનાર જયદીપસિંહ સાથે પુછપરછ કરી સમગ્ર બનાવ અંગેની માહિતી મેળવી પોલીસે હાલ તાંત્રિક બાપુ , શંકર અને મુંબઈ નાં અબ્દુલ શેખ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ ટોળકીએ કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને કોણ કોણ આમાં સામેલ છે કોની શું ભૂમિકા છે તે દિશામાં પણ તપાસ ચાલુ આરંભી છે. જ્યારે અબ્દુલ ની સાથે આવેલા પ્રકાશ માણે કે જેને ડ્રાઈવર તરીકે પાંચસો રૂપિયા આપીશું તેમ કહીને સાથે લાવ્યા હતા તેની પણ પૂછ-પરછ પોલીસે હાથ ધરી રૂપિયા પાંચ લાખ લઈને રફુચક્કર થઈ ગયેલા ગઠિયાઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top