Trump's big decision: ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવનાર મોટો લશ્કરી હુમલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું કે અમેરિકા હાલમાં ઈરાન વિરુદ્ધ કોઈ નવો હુમલો કરશે નહીં.
ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે અમેરિકા ઈરાન સામે કાર્યવાહી કરવા માટે બીજા વિશ્વયુદ્ધ બાદની સૌથી મોટી લશ્કરી શક્તિ સાથે તૈયાર છે. જોકે, ઈરાન અને મધ્ય પૂર્વના કેટલાક દેશોની અપીલ બાદ હુમલો રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે, અમેરિકા ઈરાન સામે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને સજ્જ છે, પરંતુ ઈરાન અને અન્ય મધ્ય પૂર્વીય દેશોની વિનંતી બાદ હુમલો અટકાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એક ફ્રેમવર્ક કરાર પર સહમતિ બની છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રમ્પે જણાવ્યું કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ફરી ખોલવાનો અને ઈરાનના પરમાણુ ખતરાને દૂર કરવાનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે જો ટૂંક સમયમાં કોઈ કરાર થઈ શકે તો ઈરાન અને સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે આ સારો નિર્ણય સાબિત થશે.
દરમિયાન, ટ્રમ્પે અગાઉ ઈરાનને કડક ચેતવણી આપી હતી કે અમેરિકા પોતાની ક્ષમતા મુજબ ભારે કાર્યવાહી કરશે. તેના જવાબમાં ઈરાને પણ ચેતવણી આપી હતી કે અમેરિકાને સમર્થન આપતા દેશો યુદ્ધની અસરથી બચી શકશે નહીં.

