Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાહનનો વીમો નહીં હોય તો પેટ્રોલ નહીં મળે! સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું સૂચન, ANPR કેમેરાથી થશે તપાસ

વાહનનો વીમો નહીં હોય તો પેટ્રોલ નહીં મળે! સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું સૂચન, ANPR કેમેરાથી થશે તપાસ

Mantavya News 1 week ago

Vehicle Insurance Rule: દેશમાં વીમા વગર દોડતા વાહનોની સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું છે કે જો કોઈ વાહનનો માન્ય વીમો નહીં હોય તો તેને પેટ્રોલ પંપ પરથી ઇંધણ આપવાની વ્યવસ્થા પર વિચાર કરવો જોઈએ. આ સાથે જ આવા વાહનો સામે દંડની કાર્યવાહી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે.

સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ સંજય કરોલ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું કે રસ્તાઓ પર મોટી સંખ્યામાં વીમા વગરના વાહનો ચાલી રહ્યા છે, જેના કારણે અકસ્માત બાદ પીડિતોને વળતર મેળવવામાં મુશ્કેલી પડે છે.

દેશમાં 16.5 કરોડથી વધુ વાહનો વીમા વગર

કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ દેશમાં નોંધાયેલા કુલ 30.4 કરોડ વાહનોમાંથી લગભગ 16.5 કરોડ વાહનો પાસે માન્ય વીમો નથી. એટલે કે આશરે 56 ટકા વાહનો વીમા વગર રસ્તા પર દોડી રહ્યા છે. તેમાં મોટા ભાગના વાહનો ટુ-વ્હીલર હોવાનું સામે આવ્યું છે.

સરકારી આંકડા પ્રમાણે લગભગ 22 ટકા માર્ગ અકસ્માતોમાં વીમા વગરના વાહનો સામેલ હોય છે. આવા કિસ્સાઓમાં અકસ્માત પીડિતો અને તેમના પરિવારજનોને વળતર મેળવવા માટે લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

પેટ્રોલ પંપ પર વીમાની ચકાસણીની તૈયારી

સુપ્રીમ કોર્ટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અને માર્ગ પરિવહન મંત્રાલયને સાથે મળીને એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચાર કરવા જણાવ્યું છે. આ યોજના હેઠળ વાહનના ઇંધણ પુરવઠાને તેના વીમા સ્ટેટસ સાથે જોડવાની શક્યતા તપાસવામાં આવશે.

કોર્ટના જણાવ્યા અનુસાર, જો વાહનનો વીમો માન્ય નહીં હોય તો પેટ્રોલ પંપ પર ઇંધણ આપવાનું રોકી શકાય છે. આ વ્યવસ્થા વાહન માલિકોને સમયસર વીમો કરાવવા માટે પ્રોત્સાહિત કરશે.

ANPR કેમેરાથી થશે વીમા વગરના વાહનોની ઓળખ

સુપ્રીમ કોર્ટે હાઇવે અને મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરાનો ઉપયોગ કરવા પણ સૂચન કર્યું છે.

આ કેમેરાને વાહન પોર્ટલ અને વીમા માહિતી બ્યુરોના ડેટા સાથે જોડીને વીમા વગરના વાહનોની ઓળખ કરી શકાય છે. ત્યારબાદ આવા વાહનોને આપમેળે ઇ-ચલણ ફટકારવાની વ્યવસ્થા પણ કરી શકાય છે.

વીમા વગર વાહન ચલાવવું કાયદાકીય ગુનો

મોટર વાહન અધિનિયમ મુજબ માન્ય થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવું અથવા ચલાવવા દેવું ગુનો છે. પ્રથમ વખત નિયમ તોડવા બદલ ત્રણ મહિના સુધીની જેલ અથવા 2 હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. જ્યારે ફરી ગુનો કરવા પર ત્રણ મહિના સુધીની જેલ અથવા 4 હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

નવા વાહનોના થર્ડ પાર્ટી વીમાના સમયગાળામાં વધારો

સુપ્રીમ કોર્ટે અગાઉ 2018માં નવા વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કર્યો હતો. જેમાં નવી કાર માટે ત્રણ વર્ષ અને ટુ-વ્હીલર માટે પાંચ વર્ષનો વીમો જરૂરી હતો.

હવે વીમા વગરના વાહનોની સંખ્યા વધતા કોર્ટે આ સમયગાળો વધારવાનો નિર્દેશ આપ્યો છે. નવા નિયમ મુજબ નવી કાર માટે ચાર વર્ષ અને નવા ટુ-વ્હીલર માટે છ વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવાની જોગવાઈ કરવામાં આવી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati