Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંસદામાં 'હર ઘર જલ' યોજના ફેલ, પાણી માટે મહિલાઓનો આકરો સંઘર્ષ

વાંસદામાં 'હર ઘર જલ' યોજના ફેલ, પાણી માટે મહિલાઓનો આકરો સંઘર્ષ

Mantavya News 2 weeks ago

Vansda Water Crisis: ગુજરાત સરકારની 'હર ઘર નળ સે જળ' યોજના હેઠળ દરેક ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યો વહીવટી તંત્રની ઉદાસીનતાની પોલ ખોલી રહ્યા છે. વાંસદા (Vansda)ના ખાટાઆંબા ગામના ગારમાથા ફળિયામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ ભયંકર જળસંકટ સર્જાયું છે.

અહીંની સ્થાનિક આદિવાસી મહિલાઓ અને માસૂમ બાળકોને પીવાના પાણીના એક-એક ટીપાં માટે રોજિંદો કપરો અને જોખમી સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

Vansda : 1 કિલોમીટરની જોખમી રઝળપાટ

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા ગામમાં પાણીની સમસ્યા નિવારવા માટે 300 ફૂટ જેટલા ઊંડા બોર કરવામાં આવ્યા હતા. જોકે, ઉનાળો વધતા જ ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે, જેના કારણે આ સરકારી બોરમાંથી દિવસમાં માંડ 5 થી 10 મિનિટ જેટલું જ પાણી મળે છે, જે આખા ફળિયાના પરિવારોની પ્રાથમિક જરૂરિયાત માટે પણ અપૂરતું છે.

પરિણામે, લાચાર મહિલાઓને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે રોજ આશરે 1 કિલોમીટર દૂર આવેલી ‘વેરી’ (કુદરતી પાણીનો સ્ત્રોત) સુધી ખીણમાં ઉતરવું પડે છે. આ પાણી તરફ જતો રસ્તો અત્યંત પથરાળ, ઉબડ-ખાબડ અને જોખમી ઉતરાણવાળો છે. માથે પાણીના ભારે બેડાં ઉપાડીને આ ઊભા ચઢાણવાળા પહાડી રસ્તે પરત ફરવું મહિલાઓ માટે શારીરિક રીતે અત્યંત કષ્ટદાયક બની રહ્યું છે.

એકલા પાણી ભરવા જવું અશક્ય

ગામના એક સ્થાનિક યુવાને ભૌગોલિક મુશ્કેલીઓ અને સુરક્ષાના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ખીણવાળા ભાગમાં પાણીનો મૂળ સ્ત્રોત છે જ્યાંથી વર્ષોથી પાણી લેવામાં આવે છે. પરંતુ આ ઘનઘોર જંગલ વિસ્તાર હોવાને કારણે અહીં અવારનવાર દીપડાનો ભારે ભય રહે છે. દીપડાના આ ડરને કારણે કોઈ પણ મહિલા એકલી પાણી ભરવા જઈ શકતી નથી; કાં તો પુરુષોએ ફરજિયાત સાથે જવું પડે છે અથવા તો 4 થી 5 મહિલાઓએ જૂથમાં સાથે જવું પડે છે.

ગામમાં હાલ દમણગંગા બલ્ક પાઈપલાઈન થકી વાંગણ-બારતાડ જૂથ યોજના મંજૂર થયેલી છે અને તેનું કામ પણ ચાલુ છે, પરંતુ તેને પૂર્ણ થતાં હજુ 2 થી 3 વર્ષ જેટલો લાંબો સમય નીકળી જશે. આથી, ગ્રામજનો સરકારને આ ગાળા દરમિયાન પાણીના ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા નમ્ર વિનંતી કરી રહ્યા છે.

જીવનનો મુખ્ય આધાર છે: ધારાસભ્ય અનંત પટેલ

આ ગંભીર પરિસ્થિતિ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખાટાઆંબાના ગારથાળ ફળિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. લોકોની અસહ્ય વેદના જોઈને તેમણે જણાવ્યું હતું કે, “આ વિસ્તારમાં ‘નલ સે જલ’ ની યોજના માત્ર કાગળ પર છે, ક્યાંય વ્યવહારિક રીતે લાગુ જ નથી. કોઈના ઘરે નળ નથી અને જો ક્યાંક નળ હોય તો તેમાં પાણી જ નથી આવતું! લોકો જે વેરી પરથી પાણી લાવીને પીએ છે અને પશુઓને પાય છે, તે પાણી ખરેખર પીવા લાયક જ નથી, છતાં લોકો મજબૂર છે.”

ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે તેમણે ‘જળ યાત્રા’ કાર્યક્રમ શરૂ કર્યો છે અને જ્યાં સુધી વિસ્તારના લોકોને અને મૂગા પશુઓને પીવાનું શુદ્ધ પાણી નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

પાણીની શોધમાં આખો દિવસ વેડફાય છે

સ્થાનિક મહિલાએ રડતી આંખે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “અમારે જીવના જોખમે ડુંગરા ખૂંદીને લાકડાં કાપીને વેચવા માટે લાવવા પડે છે. આખો દિવસ આકરી મજૂરી કરીને થાક્યા-પાક્યા ઘરે આવીએ ત્યારે પીવાનું એક ટીપું પાણી હોતું નથી. અમારો આખો દિવસ માત્ર પાણીની શોધમાં અને મજૂરીના ચક્કરમાં જ પૂરો થઈ જાય છે, જેના કારણે અમારા અબોલા પશુઓ પણ પાણી વિના તરસ્યા રહે છે. અમારી આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે અને સરકાર વહેલી તકે કાયમી સગવડ કરી આપે.”


ઉતરાયણના દિવસે જ ગુજરાતની ધરા ધ્રુજી, અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા

વાંસદામાં બિરસમુંડાજીની જન્મજયંતિ નિમિતે, ઇતિહાસમાં સૌથી મોટી રેલી યોજાઇ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati