મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજનાથકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન
માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા નિરાધાર બાળકોના સર્વાંગી ઉત્કર્ષ, ભરણપોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર હમેશાં એક સક્ષમ વાલીની ભૂમિકા નિભાવે છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલિત 'પાલક માતા-પિતા યોજના ' અને ' મુખ્યમંત્રી બાળસેવા યોજના ' મોરબી જિલ્લાના ત્રાજપર ગામના શ્રમિક પરિવારની દીકરી રેખાબેન છબીલદાસ વેડિયા માટે સાચા અર્થમાં માવતરની સંવેદનાના છાયો સાબિત થઈ છે
નાની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા બાદ રેખાબેનની જિંદગીને સરકારી યોજનાના પથદર્શક સથવારે નવી દિશા આપી છે. આ યોજના હેઠળ મળેલા શૈક્ષણિક પ્રોત્સાહનના બળે રેખાબેને એમ.એ. (M.A.) સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને પોતાના પગભર બન્યા છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જ્યારે રેખાબેનના જીવનમાં લગ્નનો પવિત્ર અવસર આવ્યો, ત્યારે નવી ગૃહસ્થી શરૂ કરવા માટે રાજ્ય સરકારે સાચા માવતરની જેમ પડખે ઊભા રહીને 'મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળની દીકરીના લગ્ન સમયે સહાય યોજના' અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધા રેખાબેનના બેંક ખાતામાં રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની મોટી આર્થિક સહાય કરી હતી. સરકારે આ સહાય થકી દીકરીનું કન્યાદાન કરી તેનો હૂંફનો સહારો આપ્યો છે.
આ સહાય અંગે પ્રતિભાવ આપતા રેખાબેન જણાવે છે કે, "આ લગ્ન સહાય માત્ર સરકારી પૈસા નથી, પરંતુ મારા જેવા અનેક લોકો માટે સમાજમાં સન્માનજનક અને સ્વાભિમાની નવું જીવન શરૂ કરવાનો મજબૂત પાયો છે. માતા-પિતાની ખોટ તો કોઈ ન પૂરી શકે પણ અમારા માટે માવતરની ભૂમિકા ભજવવા સરકારના દિલથી આભારી છીએ." 'પાલક માતા-પિતા યોજના' અથવા 'મુખ્યમંત્રી બાળસેવા યોજના' નો લાભ મેળવી ચૂકેલી દીકરીઓ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ લગ્નગ્રંથિથી જોડાય ત્યારે આ યોજના હેઠળ રૂ. ૨,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અરજદારોએ 'જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી' અથવા 'જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી' નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત, લાભાર્થી દીકરીઓ જાતે પણ ડિજિટલ માધ્યમથી સરકારના સત્તાવાર ઓનલાઇન 'ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ' (esamajkalyan.gujarat.gov.in) પર જઈને ઘરેબેઠા સરળતાથી અરજી કરી શકે છે.

