હળવદ: સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર થાય અને ઘરે-ઘરે સંસ્કૃત ભાષા બોલાય તેવા ઉદ્દેશ સાથે 'ગૃહે ગૃહે સંસ્કૃતમ્' થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત સુભાષિત સ્પર્ધા યોજાઈ હતી.
સાથે જ ૨૧૩ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અથવા પંદરમા અધ્યાયને કંઠસ્થ કરવાનો સંકલ્પ લીધો હતો. ભારતીય સંસ્થાઓના સંસ્કૃત ધ્યેયવાક્યોને આધારે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વેશભૂષા સાથે સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત ભાષાના પ્રચાર માટે હળવદના માર્ગો પર સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ કાલિદાસ, ઋષિમુનિ અને શ્રીકૃષ્ણ સહિતની વિવિધ વેશભૂષા ધારણ કરી યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્ત્વનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રામાયણ અને મહાભારત વિષય પર સંસ્કૃત ભાષામાં ઓનલાઈન ક્વિઝ યોજાઈ હતી, જેમાં કુલ ૨૨૦૭ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધનજીભાઈ ચાવડાએ સંસ્કૃત ભાષાના મહત્ત્વ અંગે વાત કરતાં સંસ્કૃતને માતાના સ્તર સાથે સરખાવી તેના ગૌરવ અને મહિમા અંગે સમજણ આપી હતી.
કાર્યક્રમમાં ઝોનલ અધિકારી દેત્રોજા સાહેબ તેમજ શાળાના એમ.ડી. ડો. મહેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત કક્ષના કોઓર્ડિનેટર ચંદ્રિકાબેન માધર અને સચિન ચરમારીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.શ્લોક/ચિત્ર સ્પર્ધામાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા:1. યશ અશોકભાઈ કણજરિયા,2. નૈતિક કિશોરભાઈ દલસાણિયા,3. પર્વ દિનેશભાઈ રથવી,4. અથર્વ રોહિતભાઈ સિણોજિયા,5. મિતવા ભાવેશભાઈ પટેલ,6. જિયાંશી પ્રકાશભાઈ પૂજારા,7. જિયાન પરેશભાઈ લુહાર,8. પ્રહર અલ્પેશભાઈ પટેલ,9. નિત્યરાજ મનહરસિંહ ઝાલા
આ સમગ્ર આયોજન દ્વારા સંસ્કૃત માત્ર અભ્યાસની ભાષા નહીં પરંતુ દૈનિક જીવનમાં પણ જીવંત બને અને ઘરે-ઘરે સંસ્કૃતના સંવાદો ગુંજે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
મયુર રાવલ હળવદ





