હળવદના આનંદ બંગ્લોઝ વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષીય પરિણીતાને તેના સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં અને ઘરકામ મુદ્દે હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, ફરિયાદી કૃપાબેન અગોલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન જીવન દરમિયાન તેમના પતિ અંકિતભાઈ, સાસુ મીનાબેન અને નણંદ અર્પીબેન દ્વારા અવારનવાર ઘરકામ જેવી નજીવી બાબતોમાં મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, આરોપીઓએ એકબીજાની ચડામણી કરી પરિણીતાને માનસિક રીતે પરેશાન કરી હતી અને પતિ દ્વારા અવારનવાર મારકૂટ પણ કરવામાં આવતી હતી. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને હાલ માવતરે રહેતી પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

